- નવસારીમાં રખડતા ઢોરનો મુદ્દો વર્ષોથી વણ ઉકેલ્યો
- પાલિકાના સીઓ અને અધ્યક્ષ સામે નવસારી કોર્ટમાં ફરિયાદ
- સમગ્ર તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં સમક્ષ રજૂ કરવાનું પોલીસને ફરમાન
નવસારી: શહેરમાં રખડતા ઢોરનો મુદ્દો વર્ષોથી વણ ઉકેલ્યો રહ્યો છે. રખડતા ઢોરોને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભુતકાળમાં એક વૃદ્ધાએ જીવ પણ ગુમાવ્યો હતો. જેમાં ગત્ત વર્ષે શહેરના ટાવર વિસ્તારમાં ગધેડાને કારણે ઘાયલ થયેલા મુસ્લિમ વૃદ્ધના વકીલ પુત્રએ પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ સામે નવસારી કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદને રદ કરાવવા માટે બંને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે કાઢી નાખી, બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહયોગ કરવા સાથે જ તપાસ રીપોર્ટ 4 ડીસેમ્બર સુધી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જોકે, આ સમય દરમિયાન બંને આરોપીઓની ધરપકડ ન કરવાનો હુકમ કર્યો છે.
રસ્તા પર અડીંગો જમાવી રહેતા રખડતા ઢોરો માથાનો દુ:ખાવો
ગાયકવાડી રાજમાં વિકસિત થયેલા નવસારી શહેરના રસ્તાઓ સાંકડા છે. વધતી વસ્તીને કારણે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે, ત્યારે શહેરના રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બન્યા છે. શહેરમાં ગાય, વાછારડા, આખલા તેમજ ગધેડાઓનો ત્રાસ વધ્યો છે, પણ નવસારી પાલિકાની આળસને કારણે ઘણીવાર શહેરીજનો અકસ્માતનો ભોગ બને છે. રસ્તાઓ પર અલમસ્ત આખલાઓની લડાઈમાં ઘણા લોકો ગંભીર રીતે ઘવાયા છે, જ્યારે પાલિકાની શાક માર્કેટમાં આખલાઓની લડાઈમાં એક વૃદ્ધાએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. આ સાથે જ આખલા લડાઈમાં રસ્તા પર મુકેલા વાહનોમાં પણ મોટા નુકસાન થયાની ફરિયાદો ઉઠતી રહી છે.
નવસારી પાલિકા સીઓ અને કારોબારી અધ્યક્ષની પોલીસ ફરિયાદ રદ્દ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી બે ગધેડાઓની લડાઇમાં ઘાયલ થયેલા વૃદ્ધના વકીલ પુત્રે કરી હતી કોર્ટ ફરિયાદજે દરમિયાન ગત્ત 6 ઓગસ્ટ 2019ની સાંજે નવસારીના વિરાવળ જકાત નાકા નજીક કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા વકીલ નદીમ કાપડિયાના પિતા અબ્દુલગની દવા લેવા નીકળ્યા હતા. શહેરના ટાવર વિસ્તારમાંથી પસાર થતા વૃદ્ધ અબ્દુલા બે ગધેડાઓની લડાઇમાં ગંભીર રીતે ઘવાયા હતા અને તેમણે પથારીવશ થવું પડ્યું હતું. જેમાં વકીલ નદીમે નવસારી ટાઉન પોલીસ મથકે પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રેમચંદ લાલવાણીને દોષી ઠેરવી, તેમની સામે ફરિયાદ નોંધવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ ન નોંધાતા તેમણે નવસારી કોર્ટમાં ફરિયાદ કરી દાદ માંગતા કોર્ટે ગત્ત 12 ઓક્ટોબર 2020 ના રોજ પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિ અધ્યક્ષ સામે ગુનો નોંધવા પોલીસને હુકમ કર્યો હતો. જેની સામે બંને આરોપીઓ પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલ અને કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રેમચંદ લાલવાણીએ તેમની સામેની ફરિયાદ જ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીઓની પોલીસ ફરિયાદ રદ કરવાની અરજી કાઢી નાંખી, તેમની 4 ડિસેમ્બર 2020 સુધી ધરપકડ ન કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહયોગ આપવા અને પોલીસ જયારે પણ સમન્સ પાઠવે, ત્યારે તેમની સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે. જયારે સમગ્ર તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં સમક્ષ રજૂ કરવાનું પોલીસને ફરમાન કરવામાં આવ્યું છે.
રખડતા ઢોર મુદ્દે પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગુનો
નવસારી પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિ અધ્યક્ષ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ સફાળી જાગેલી પાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી આરંભી છે, જેમાં 11 ગધેડાઓ પણ પાંજરે પુર્યા છે. જોકે, વર્ષોની ફરિયાદો બાદ પણ પાલિકાની આળસને કારણે દક્ષિણ ગુજરાતમાં રખડતા ઢોરોને કારણે પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગુનો નોંધાયો હોય એવો કદાચ પ્રથમ કિસ્સો બન્યો છે. જેમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે.