નવસારીઃ ગણદેવી તાલુકા પંચાયત નજીક આવેલી કેનીગ ફેક્ટરી સામે અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રસ્તે રખડતી ગાયે બે મોઢાવાળા દુર્લભ વાછરડાને જન્મ આપ્યો હતો, પરંતુ નવજાત વાછરડાનું સ્વાસ્થ્ય ખરાબ થતા થોડીવારમાં જ મોત નીપજ્યું હતું.
અહો ! આશ્ચર્યમ : ગણદેવીમાં બે મોઢા સાથે વાછરડું જન્મ્યુ, ખરાબ આરોગ્યને કારણે મોત કોરોનાની મહામારીમાં લોકો ઘરમાં પુરાયા છે, ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં મોટી સંખ્યામાં રખડતા ઢોરોની સ્થિતિ કફોડી બની છે. સ્થાનિક લોકોએ ગૌસેવા કરતા ગણદેવીના ભવાની ગ્રૃપને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા ભવાની ગ્રૃપના યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જયારે યુવાનો ગાયની મદદ કરી રહ્યાં હતાં, ત્યારે કુદરતી ચમત્કાર સમાન ગાયે બે મોઢાળા વાછરડાને જન્મ આપ્યો હતો. વાછરડાના બંને મોઢા ગળાના ભાગેથી જોડાયેલા હતા અને તેને ચાર કાન, ચાર આંખો, ચાર પગ હતાં.
જ્યારે લાલ રંગ ધરાવતું દુર્લભ વાછરડુ જન્મતા યુવાનો પણ આશ્ચર્યમાં મુકાયા હતાં, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે વાછરડાએ થોડા સમયમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. જ્યારે ભવાની ગ્રુપના યુવાનો ગાયને બચાવવામાં સફળ રહ્યાં હતાં. ભવાની ગ્રૃપે મૃત વાછરડાના અંતિમ સંસ્કાર ગણદેવીના ધનોરીનાકા નજીકના તળાવની પાળે કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સેંકડો વાછરડાઓના જન્મ બાદ આવો દુર્લભ કિસ્સો જોવા મળતો હોય છે. આ દુર્લભ ઘટના ચમત્કારથી ઓછી ન હોવાનુ લોકોએ જણાવ્યું હતુ. ગણદેવીના ભવાની ગ્રૃપના યુવાનો સામાજિક કાર્યો સાથે ગૌસેવાને પણ વરેલા છે. જેમના થકી ગણદેવી તાલુકામાં અનેક ગાયોના રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયા હતા અને અનેક ગાયોને બચાવી જીવતદાન આપી ચૂક્યા છે.