ભર શિયાળે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો નવસારી:હવામાન ખાતાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં મોસમે પોતાનો મિજાજ બદલતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદનું આગમન થતાં નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે દિવસે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવાની નોબત આવી હતી.
બે પશુઓના મોત:નવસારી શહેરમાં મારુતિ નગર વિસ્તારમાં જીઇબીના વિજપોલમાંથી કરંટ ઊતરતા બે પશુઓના મોત થયાની ઘટના સામે આવી છે. દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે થાંભલામાંથી કરંટ ઉતર્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીઇબીનાં કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ આરંભી હતી.
ખેડૂતો ચિંતામાં:હવામાન ખાતાની આગાહીના પગલે ધીમીધારે શરૂ થયેલા વરસાદના કારણે કેરી, ચીકુ સહિત અન્ય શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ ડાંગર પકવતા ખેડૂતોએ ઉનાળુ ડાંગર રોપવાવા માટેનું જે ધરું રોપ્યા હતા તે નષ્ટ થવાની શક્યતાઓ ખેડૂતો હાલ સેવી રહ્યા છે. ડાંગરની ખેતી કરતા ખેડૂત પિનાકીન પટેલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જે કમોસમી માવઠાથી ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોનું ધરું નષ્ટ થવાની સંભાવના જોવાઈ રહી છે.
સવારે 6:00 થી 2:00 વાગ્યા સુધીના વરસાદી આંકડા:નવસારી 9 mm, જલાલપુર 9 mm, ગણદેવી 4 mm, ચીખલી 3 mm, ખેરગામ 5 mm, વાંસદા 2 mm જેટલો વરસાદ થયો છે. શિયાળાના સમયમાં વરસાદનું આગમન સાથે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ ગાર બન્યું હતું. જેથી નવસારી શહેરવાસીઓને ગરમ કપડાની સાથે રેઈન કોટ પહેરી બહાર નીકળવાનો વારો આવ્યો હતો.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આટલા દિવસ સુધી રહેશે કમોસમી વરસાદ
- બનાસકાંઠા જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન