નવસારી : નવસારી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા ન કારણે ધીમીધારે વરસાદ શરુ થઇ ગયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે. તો બીજીતરફ નવસારીના ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. તો બીજીતરફ ખેડૂતો આગામી સીઝનમાં ખેતીલાયક વરસાદનો અણસાર જોઇ રાજીપો અનુભવી રહ્યાં છે.
ખેડૂતોને અનુરૂપ વરસાદની શરૂઆત થતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. જેથી અમે આ સાલ સારો વરસાદ રહે તેવી આશા રાખી રહ્યા છીએ...પિનાકીન પટેલ(નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ)
અસહ્ય બફારાથી ત્રાહિમામ : બિપરજોય વાવાઝોડાનો વરસાદ પડી ગયા પછી હાલમાં ભારે બફારા સાથે ગરમી એ લોકોને પરેશાન કરી મૂક્યા હતાં. એવામાં હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસુ પ્રારંભ થવાના સારા સમાચાર આપ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આમ જોવા જાય તો જૂન મહિનાથી ચોમાસુ વિધિવત રીતે શરૂ થાય છે. પરંતુ માસ પૂરો થવા આવ્યો હોય ત્યાં સુધી પણ વરસાદના શ્રીગણેશ ના થયા હોય લોકો પણ અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યાં હતાં.
વાવણી અનુરૂપ વરસાદ શરૂ : ચોમાસાની આતુરતાથી વાટ જોતાં ખેડૂતોને પણ વરસાદ શરુ થતાં આગામી સીઝનમાં કયો પાક લેવાનો છે તે વિચારીને નિર્ણય લેવાનો ઉત્સાહ આવ્યો છે. નવસારી જિલ્લામાં ખેડૂતોની વાત કરવામાં આવે તો જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે પણ વાવણી અનુરૂપ વરસાદ શરૂ થતા ખેડૂતોને પણ જીવમાં જીવ આવ્યો છે. ખેડૂતો હવે સારા વરસાદની આશા રાખી લાપસીના આંધણ મૂકી રહ્યાં છે.
કાવેરી બે કાંઠે વહી :ત્યારે આજે આવેલા વાતાવરણમાં પલટાને કારણે નવસારી જિલ્લામાં ચીખલી પંથકમાં સવારથી જ વરસાદના ઝાપટા શરૂ થયા હતાં. ચીખલી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી .જેથી અસહ્ય બફારા વચ્ચે ઠંડક થતા લોકોને પણ રાહત મળી હતી. ચીખલી તાલુકામાં પડેલા વરસાદને કારણે તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં નવા નીર આવ્યાં હતાં. જેનાથી નદીમાં પાણીની આવક વધી હતી ત્યારેે લોકોને કાવેરી નદી બે કાંઠે થયેલી જોઇને રાજીપો થયો હતો.
- Gujarat Monsoon Update : ગુજરાતમાં મેઘરાજાના મંડાણની તૈયારીઓ, હવામાન વિભાગે અહીં ધોધમાર વરસાદની આગાહી કરી
- Rain News : નડિયાદમાં પાણી ભરાયેલા ગરનાળામાં બસ બંધ, સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઠ્યા
- Gujarat Monsoon 2023: 30 જૂન સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે