નવસારીનું ઐતિહાસિક ગણેશ વડ મંદિર નવસારી : મુઘલોએ ભારતની ખ્યાતિથી લલચાઈને ભારત પર આક્રમણ કરી મુઘલ સલ્તનતની સ્થાપના કરી હતી. મુઘલ સલ્તનતના અનેક બાદશાહોએ દેશમાં આવેલા મંદિરોને તોડી, લૂંટીને નાશ કર્યો હતો. ગુજરાતમાં પણ મુગલોએ અનેક મંદિરોને પોતાના નિશાન બનાવ્યા હતા. ઈસવીસન 1618 થી 1707 માં ભારત પર ઔરંગઝેબનું શાસન હતું. આ દરમિયાન તેણે આખા ભારતમાં છ જગ્યાએ હિન્દુ ધર્મસ્થાનો માટે જમીન આપી હોવાનો ઈતિહાસ અને દસ્તાવેજ પણ હજુ અકબંધ છે. જેમાં નવસારીને અડીને આવેલા સિસોદ્રા ગામ સ્થિત ગણેશ વડ મંદિરમાં બિરાજમાન ગણેશજીનો અલગ ઈતિહાસ છે.
ઐતિહાસિક ગણેશ વડ મંદિર : નવસારીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં ઐતિહાસિક ગણેશ વડ મંદિર આવેલું છે. અહીં સ્થાનિક તેમજ દેશ વિદેશના લોકો દર્શનાર્થે આવે છે. ગણેશ ચોથ હોય કે ગણેશ ઉત્સવ, અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે. સિસોદ્રાના ઐતિહાસિક ગણેશ વડ મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિરનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે.
ઔરંગઝેબનો મંદિર પર હુમલો :વર્ષોથી અહીં પૂજા કરતા પૂજારી જણાવે છે કે, 1960-62 ના અરસામાં નવસારી પંથકમાં મુઘલ સામ્રાજ્યના સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું. જેણે પોતાના શાસન દરમિયાન અનેક મંદિરો ગુજરાતમાં તોડી પાડ્યા હતા. મુઘલ સમ્રાટ ઔરંગઝેબની નજર 1962 માં અહીં આવેલા સિસોદ્રાના ગણેશ મંદિર ઉપર પડી હતી. ત્યારે ઔરંગઝેબે આ મંદિર પર આક્રમણ કરી જમીનદોસ્ત કરવાના આદેશ આપી સિપાહીઓને મોકલ્યા હતા.
સિસોદ્રા ગણેશ વડ મંદિર ઘણું ઐતિહાસિક મંદિર છે. તેની ખ્યાતિ દેશ અને દુનિયામાં ફેલાયેલી છે. તેથી ગણેશ ચોથ અને ગણપતિ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. -- ભરત ગોસ્વામી (પૂજારી)
ગણેશજીએ બતાવ્યો પરચો :ઔરંગઝેબના આદેશ પર સિપાહીઓએ આ મંદિર પર ચડાઈ કરી હતી. ત્યારે મંદિરની આસપાસથી ઝેરી ભમરાઓ અચાનક નીકળી આવી મંદિર તોડવા માટે આવેલા સિપાહીઓ પર હુમલો કરી તેઓને ભગાડ્યા હતા. આ વાતની જાણ સમ્રાટ ઔરંગઝેબને થતા તેઓએ આ કોઈ અલૌકિક મંદિર હોવાનું માની મંદિર તોડવાનું માંડી વાળ્યું હતું. ઉપરાંત ગણપતિજીના પરચાનો પુરાવો મળતા તેણે મંદિરના નિભાવ ખર્ચ માટે અહીંની 20 વીઘા જમીન જે તે સમયના પૂજારી પરિવારની આઠમી પેઢીના મોહનગીરી ગોસ્વામી પૂજારીને વિધિવત રીતે મુઘલ સામ્રાજ્યની સનદ પ્રમાણે દસ્તાવેજ કરી દાનમાં આપી દીધી હતી. એ સમયના દસ્તાવેજી પુરાવાઓ હજુ પણ આ મંદિરમાં અકબંધ છે.
મુઘલ સુલતાને આપી જમીન : ઔરંગઝેબને ગણેશજીએ ચમત્કારિક પરચો બતાવવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી હતી. જેને લઈને સમગ્ર ગુજરાત તેમજ અન્ય વિસ્તારના લોકોને પણ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ હતી. તેથી દેશ-વિદેશથી પણ ભક્તો આ મંદિરે દર્શન કરવા માટે ખેંચાઈ આવે છે. આ અંગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ જણાવે છે કે, આ ઐતિહાસિક મંદિરમાં અમારી ઘણી અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. અહીં અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.
- Ganesh Chaturthi 2023: ઘરે ગણેશ ચતુર્થીની તૈયારી કરી રહ્યા છે; જાણો પૂજાનો ચોક્કસ સમય અને પદ્ધતિ
- Ganesh festival 2023 : બપ્પાને પ્રિય છે આ પાંચ પ્રકારના મોદક, જાણો કયા