લોકડાઉનથી મીંઢોળા નદી બની સ્વચ્છ, સુર્યાંજલી સાથે નીરના લેવાયા વધામણાં - સુર્યાજલિ
ધરતી પર વધી રહેલા પ્રદુષણને લોકડાઉને અટકાવ્યું છે. જેને કારણે નદીઓના પાણી નિર્મળ અને હવા શુદ્ધ થઈ હોવાના એહવાલો સામે આવ્યા છે. જેમાં સુરતના ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત દુષિત પાણીને કારણે નવસારીની સરહદેથી વહેતી મીંઢોળા નદી એટલી પ્રદુષિત થઈ હતી કે, કાળી મેષ જેવી દેખાતી હતી. જે લોકડાઉનમાં ઉદ્યોગો બંધ રહેવાને કારણે સ્વચ્છ અને નિર્મળ બની છે. જેથી વર્ષોથી મીંઢોળા બચાવો આંદોલન ચલાવી રહેલા સેવા સંસ્થાના પ્રમુખ કનુ સુખડીયાએ મીંઢોળાના નિર્મળ જળથી સુર્યાંજલી આપી નદીના વધામણાં કર્યા હતા.
નવસારીઃ જિલ્લામાંથી પસાર થતી લોકમાતાઓમાં નવસારી અને સુરત જિલ્લાની સરહદેથી વહેતી મીંઢોળા નદી સૌથી વધુ પ્રદુષિત બની હતી. સુરતના બારડોલીથી શુદ્ધ અને નિર્મળ મીંઢોળાનુ પાણી નવસારી પહોંચતા જ પ્રદુષિત થવાને કારણે કાળું અને દુર્ગંધ મારતું હતું. જેને કારણે મીંઢોળા કિનારે વસેલા ગામોના લોકો નદીના પાણીનો ઉપયોગ કરી શકતા ન હતા અને ઘણાને નદીના પાણીને કારણે ચર્મ રોગની ફરિયાદો પણ હતી. જ્યારે લોકો પોતાના પશુઓને પણ નદી કિનારે જવા દેતા ન હતા. પ્રદુષિત મીંઢોળા નદીને બચાવવા નવસારીની સેવા સંસ્થાના પ્રમુખ કનુ સુખડીયા દ્વારા છેલ્લા 10 વર્ષોથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ હતુ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓથી લઇ રાજ્ય સરકારના પ્રધાનોને પણ રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં મીંઢોળા નદી પ્રદૂષણ મુક્ત થઈ ન હતી.