ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતની આઝાદીના સિપાહી અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇનું અવસાન - દિનકર દેસાઇ

વર્ષ 2020 નો અંતિમ દિવસ નવસારી માટે દુ:ખદ સમાચાર લઇને આવ્યો છે. ગુરૂવારે વહેલી સવારે ભારતની આઝાદીના સિપાહી અને નવસારી તેમજ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇએ 97 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતા.

ભારતની આઝાદીના સિપાહી અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇનુ અવસાન
ભારતની આઝાદીના સિપાહી અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇનુ અવસાન

By

Published : Jan 1, 2021, 6:29 AM IST

Updated : Jan 1, 2021, 12:40 PM IST

  • ભારતની આઝાદીના સિપાહી અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇનું અવસાન
  • ગાંધી વિચાર અને સાદગીને વરેલા દિનકર દેસાઇએ 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  • રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના હસ્તે ઘણીવાર સન્માનિત


નવસારી: વર્ષ 2020 નો અંતિમ દિવસ નવસારી માટે દુ:ખદ સમાચાર લઇને આવ્યો છે. ગુરૂવારે વહેલી સવારે ભારતની આઝાદીના સિપાહી અને નવસારી તેમજ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇએ 97 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતા. નવસારીના વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઇના પિતા દિનકરભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાનની મુલાકાત દરમિયાન, સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ હું તમારા થકી જોવા માગુ છું- ની અપીલ કરી હતી. વિશ્વમાં યુદ્ધ નહીં પણ શાંતિ સ્થપાઇ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. દિનકર દેસાઇના અવસાનથી નવસારીમાં શોકની લાગણી ફેલાઇ છે.

ભારતની આઝાદીના સિપાહી અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઇનું અવસાન

ગુજરાત વિદ્યાપીઠમાં કર્યો અભ્યાસ, નવસારી અને ગણદેવીના રહ્યા હતા ધારાસભ્ય

સાદગીભર્યુ જીવન અને ગાંધી વિચારોથી સિંચિત વ્યક્તિત્વ એવા નવસારીના સપૂત દિનકર દેસાઇએ અભ્યાસ દરમિયાન અંગ્રેજો ભારત છોડોની ચળવળ વખતે જેલવાસ ભોગવ્યો હતો. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. વર્ષ 1980 સુધી વકિલાત કરી હતી. અમદાવાદથી નવસારી આવ્યા બાદ દિનકરભાઇએ હળપતિઓના ઉત્થાન માટે હળપતિ સેવા સંઘની સ્થાપનાનાં પાયાનાં પત્થર બની જીવન લોકસેવાને વરેલા રહ્યા હતા. દિનકરભાઇએ કોંગ્રેસની વિચારધારામાં રાજકારણમાં પણ ઝંપલાવ્યુ અને 1971 માં નવસારીના ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ તેઓ વર્ષ 1980 થી 1990 સુધી ગણદેવીના ધારાસભ્ય તરીકે કાર્યરત રહ્યા હતા.

1972 માં તામ્રપત્રથી ભારત સરકારે કર્યા હતા સન્માનિત

ગાંધી વિચાર સાથે લોકસેવા અને તેમાં પણ ગરીબ, વંચિતો માટે આયખું ઘસી નાખનારા સ્વતંત્રતા સૈનાની દિનકર દેસાઇને વર્ષ 1972 માં ભારતના વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ તામ્રપત્ર આપી સન્માનિત કર્યા હતા. વર્ષ 1972 અને વર્ષ 2017 માં પણ ભારતના રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વતંત્રતા પર્વ પર દિનકરભાઇને ભારતની આઝાદીના સિપાહી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2018 માં નવસારીમાં દાંડી સ્થિત મીઠાના સત્યાગ્રહ રાષ્ટ્રીય સ્મારકના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સન્માનિત થયા હતા.

વડાપ્રધાન મોદી સાથે અડધો કલાકની મુલાકાત, વિશ્વ શાંતિનું સુકાન સંભાળવા કરી અપીલ

વર્ષ 2019 માં રાષ્ટ્રીય સન્માન બાદ દિનકર દેસાઇની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પોતાના નિવાસ સ્થાને વિશેષ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લગભગ અડધો કલાકની મુલાકાત દરમિયાન દિનકરભાઇએ સ્વતંત્રતા તેમજ વર્તમાન સમયની ઘણી વાતો કરી હતી. જેમાં તેમણે મોદીને કહ્યું હતું કે, હું જીવનમાં ગાંધી બાદ ત્રણ વ્યક્તિઓથી પ્રભાવિત થયો છું. એક સરદાર વલ્લભભાઇ પટેલ, બીજા ( તમને ન ગમશે ) પણ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ત્રીજા નરેન્દ્ર મોદી. વિશ્વમાં યુદ્ધને બદલે શાંતિ સ્થાપવી જોઇએ અને વિશ્વમાં શાંતિનો સંદેશ હું તમારા થકી ફેલાઇ એવી હું આશા રાખુ છું.

હું સારી રીતે જીવ્યો, હવે મને ભગવાનના ધામમાં લઇ જાઓ... કહીને અંતિમ શ્વાસ લીધા

જેમ એક ઋષિને પોતાના અંતિમ સમયની ખબર પડી જાય છે, એમ સાદુ અને લોકોપયોગી જીવન જીવેલા દિનકર દેસાઇએ પણ બે દિવસ અગાઉથી જ પોતાનો અંતિમ સમય ભાખી લીધો હતો. તેમણે પુત્ર પિયુષ દેસાઇને ઝવેરચંદ મેઘાણીએ વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ માટે લખેલું ગીત જો વીરા તારૂ ફૂલડાં સરખું શરીર, ઇંધણ પણ ઓછા પડ્યા આખું ગાઇ સંભળાવ્યું હતું. આ સાથે જ કહ્યું હતું કે, જન્મ્યા પહેલા પારણાં, મુવા પછી લાકડા... સગાવાહાલા રાખશે તૈયાર.. પડખુ ફરીને સુઇ ગયા, માંગ્યુ નવું ખમીશ... અને ત્યારબાદ અંતે તેમણે કહ્યું કે, હું સારી રીતે જીવ્યો, હવે મને ભગવાનના ધામમાં લઇ જાઓ... કહીને અંતિમ શ્વાસ લીધા હતા.

Last Updated : Jan 1, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details