- પાલિકાની પરંપરાથી અલગ પાલિકા પ્રમુખે રજૂ કર્યુ વર્ષ 2021-22નું બજેટ
- 73.74 કરોડની આવક સામે પાલિકાએ સેંકડો કરોડનું બજેટ રજૂ કર્યુ
- નવસારી-વિજલપોર પાલિકાએ બજેટ કર્યુ રજૂ
નવસારી:નવસારી-વિજલપોર નગરપાલિકાના ગઠન બાદ ભાજપે 51 બેઠકો સાથે બહુમતીથી સત્તાનું સુકાન સંભાળ્યું છે. પાલિકાની નવી બોડી બન્યા બાદ, 30 માર્ચે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખ જીગીશ શાહે એજન્ડાના 5 કામો પૈકી 4 કામો સર્વાનુમતે મંજૂર કર્યા હતાં. બાદમાં, પાલિકાની પરંપરાથી અલગ જઈ વર્ષ 2021-22નું 18 કરોડની પુરાંત ધરાવતુ અને ગુજરાતની પાલિકાઓમાં સૌથી વધુ 555.52 કરોડનું નવસારી-વિજલપોર પાલિકાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. 73.74 કરોડની આવક સામે પાલિકાએ 135.50 કરોડની યોજનાકીય ગ્રાન્ટ અને 255.98 કરોડની સરકારી ગ્રાન્ટના આધારે કરોડોનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં, નવસારી-વિજલપોર પાલિકાની પાણી સમસ્યાનું નિરાકરણ ઉપર ધ્યાને લઈને, શહેરને 5 ઝોનમાં વહેંચીને 25.43 કરોડની યોજના પૂર્ણ કરવાનું આયોજન કર્યુ છે. સાથે જ શહેરમાં રખડતા ઢોર માટે સરકારમાંથી જગ્યા મેળવી, પાંજરાપોળ બનાવવા 5 કરોડની ફાળવણી કરી છે. જ્યારે, પાલિકામાં ઇ-ગવર્નન્સ હેઠળ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાલિકાની તમામ સેવાઓ ડિજિટાઇઝ કરી, શહેરને સ્માર્ટ સીટી બનાવવાનું સપનું સેવ્યુ છે. સાથે સાથે, શહેરીજનોને ફરવા માટે લેક ફ્રન્ટ બાદ પૂર્ણા નદીના કિનારે રિવર ફ્રન્ટ બનાવવાનું આયોજન પણ કરાયુ છે. પાલિકા પ્રમુખે બજેટને શહેરના દરેક સ્તરના લોકો માટેનું વિકાસલક્ષી બજેટ ગણાવ્યુ હતું.
આ પણ વાંચો:રાજકોટ મહાનગરપાલીકાનું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી
સભાની શરૂઆતમાં જ ખુરશી માટે થઈ ખેંચતાણ
નવસારી-વિજલપોર નગરપાલિકાની આજે મળેલી પ્રથમ સામાન્ય સભાના પ્રારંભે જ ખુરશી માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં, કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર તેજલ રાઠોડે પોતાની ખુરશી માટે પાલિકા પ્રમુખ અને COને રજૂઆત કરવી પડી હતી. ત્યારબાદસ, પાલિકા કર્મચારીઓએ તેમને ખુરશી આપ્યા બાદ તેમને બેઠક મળી હતી. જેની સાથે જ પાલિકાના શાસક પક્ષના નેતાઓને પણ પ્રોટોકોલ પ્રમાણે આગળ ખુરશી ન મળતા, તેમણે પણ ખુરશી માટે રાહ જોવી પડી હતી.