- ગેસ લાઈનમાં આગ લાગતા બાજુમાં પડેલી કારને પણ થયું નુકશાન
- 4 ફાયર ફાઈટરોથી લાશ્કરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
- ગેસની મુખ્ય લાઈનમાં આગ લાગવાનું કારણ અકબંધ
નવસારી : નવસારી-વિજલપોર શહેરના પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર ગ્રીડ નજીક આજે સવારે રસ્તાના કિનારે નાંખવામાં આવેલી ગેસ લાઈનમાંથી અચાનક આગની ( Fire ) જ્વાળાઓ નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. આગની જ્વાળાઓએ રૌદ્ર રૂપ લેતાં એક મહિલાએ નવસારી ફાયર બ્રિગેડને (Navsari Fire Department ) જાણ કરતા ફાયરના લાશ્કરો પાણી ભરેલા ફાઈટરો લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગેસ લાઈનમાં આગ હોવાથી આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી જણાતા 6 થી 8 કેરબા ફોમનો મારો ચલાવ્યો હતો. લગભગ અડધો કલાકથી વધુ સમય લાશ્કરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યાં આગ લાગી હતી, ત્યાં નજીકમાં એક કાર ઉભી હોવાથી તેમાં નુકશાન થયું હતું. આગની ઘટનાને કારણે ગ્રીડથી નવસારી તરફ જતા ટ્રાફિકને બીજા ટ્રેક પરથી કાઢવામાં આવ્યો હતો. ટ્રાફિક જામ ન થાય એ હેતુથી ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ગેસની મુખ્ય પાઇપ લાઈનમાં ક્યાં કારણોસર આગ લાગી એ હજી જાણી શકાયું નથી.
આસપાસની સોસાયટીઓનો ગેસ પુરવઠો કરાયો બંધ
નવસારીના ગ્રીડ નજીક મુખ્ય રસ્તાને કિનારે આજે સવારે ગુજરાત ગેસની (Gujarat Gas) મુખ્ય પાઇપ પાઈનમાં આગ લાગતા સતર્કતાને ધ્યાને રાખી ગુજરાત ગેસ કંપની દ્વારા આસપાસમાં અંદાજે 2 કિમીના વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓનો ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. જેને કારણે ગૃહિણીઓની સવારની રસોઈ અટવાઈ હતી.