ગુજરાત

gujarat

ETV Bharat / state

જમવા મુદ્દે રોજ કીટકીટ, પિતાએ પુત્રને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો - Son killed by father in Sara village of Vansada

વાંસદાના સરા ગામે પુત્ર દ્વારા રોજ માતા સાથે જમવા મુદ્દે કરાતી કીટકીટ અને તેના કારણે થતા ઝઘડાથી કંટાળેલા પિતાએ પુત્રને કુહાડીના ઘા ઝીંકી યમધામ પહોંચાડ્યો હતો.

By

Published : May 2, 2020, 12:11 AM IST

નવસારીઃ વાંસદાના સરા ગામે પુત્ર દ્વારા રોજ માતા સાથે જમવા મુદ્દે કરાતી કીટકીટ અને તેના કારણે થતા ઝઘડાથી કંટાળેલા પિતાએ શુક્રવારે બપોરે ઝાડ નીચે નિદ્રા માણી રહેલા પુત્રના ગળા પર કુહાડીના ઘા ઝીંકી તેને યમધામ પહોંચાડતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી વાંસદા પોલીસે હત્યારા પિતાને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના સરા ગામે ઝાડી ફળિયામાં રહેતા સરમુખ અરવિંદભાઈ ગામીતની પત્ની સાથે અણબનાવ થતા બંને અલગ થયા હતા. સરમુખને લગ્ન જીવન દરમિયાન બે પુત્રો છે, જેમની સાથે સરમુખ પોતાના માતા-પિતા સાથે રહેતો હતો, પરંતુ સરમુખની જમવા બાબતે તેની માતા સાથે વારે વારે કીટકીટ થતી રહેતી હતી. ઘણીવાર સરમુખ જમવાને લઇ તેની માતા સાથે ઝઘડો કરતો હતો અને જેને કારણે પિતા અરવિંદભાઈ સાથે પણ ઝઘડો થતો હતો.

પુત્ર સરમુખની જમવા બાબતે રોજ રોજની કીટકીટથી પિતા અરવિંદ કંટાળ્યા હતા. ગુરુવારે રાતે પણ જમવા બાબતે સરમુખનો તેના માતા-પિતા સાથે ઝઘડો થયો હતો. તે દરમિયાન શુક્રવારે બપોરે સરમુખના બંને પુત્રો ગામની દુકાનમાં કંઇક લેવા ગયા હતા. એ સમયે સરમુખ ઘરની પાસેના ઝાડની નીચે સુતો હતો.

જમવાને લઈને પુત્રની સાથે ઝઘડાથી હેરાન થઇ ચુકેલા પિતા અરવિંદે આવેશમાં આવી તિક્ષ્ણ કુહાડીથી તેના ગળા પર પ્રાણઘાતક વાર કરી તેને યમધામ પહોંચાડી દીધો હતો, ત્યારબાદ લોહીથી લથપથ પોતાના કપડા બદલી હત્યારો પિતા અરવિંદ ગામીત ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

સરમુખની હત્યાની જાણ થતા વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક સરમુખના મૃતદેહને PM અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સાથે જ સરમુખના પિતાની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details