નવસારીઃ ગુજરાતની APMCઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1963ના કાયદામાં સુધારો કરી નવો વટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ બજાર સમિતિઓનું કાર્યક્ષેત્ર ઘટાડવાને કારણે અંદાજે 4 હજાર કર્મચારીઓના વેતન પર અસર થવાની ભીતિને લઇને ગુજરાત બજાર સમિતિ સંઘ દ્વારા શુક્રવારે નવસારી APMC ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકાર તેમના વેતન મુદ્દે અન્ય કોઈ વ્યવસ્થા ગોઠવે એવી માંગણી પણ ઉચ્ચારવામાં આવી હતી.
નવસારી: APMCના નવા વટ હુકમ સામે કર્મચારી યુનિયનનો વિરોધ - ગુજરાત બજાર સમિતિ સંઘનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCમાં વર્ષ 1963ના કાયદામાં સુધારો કરી નવો વટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જેથી ગુજરાત બજાર સમિતિ સંઘ દ્વારા APMC ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ખેડૂતોને વેપારીઓ અન્યાય નહીં કરે અને વેપારીઓને પણ વ્યવસ્થિત ખેતી પાકો મળી રહે એવા આશયથી વર્ષોથી નાની-મોટી 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે, પરંતુ બજાર સમિતિઓમાં કાર્યરત અંદાજે 4 હજાર કર્મચારીઓને વર્ષમાં પ્રથમ વખત આંદોલન કરવાની નોબત આવી છે. જેનું કારણ છે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1963ના કાયદામાં સુધારા કરીને, ગત 6 મે 2020ના રોજ પાડવામાં આવેલો વટ હુકમ. આ વટ હુકમમાં બજાર સમિતિનું કાર્યક્ષેત્ર તાલુકાને બદલે ફક્ત માર્કેટ યાર્ડ પૂરતું જ સીમિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે બજાર સમિતિની આવક ઘટશે. જેમાં બજાર સમિતિના ખર્ચાઓ સાથે જ કર્મચારીઓના વેતન પર પણ મોટી અસર પડશે. જેથી ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારી વટ હુકમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકાર દ્વારા બજાર સમિતિઓ માટે પાડવામાં આવેલા વટ હુકમને કારણે બજાર સમિતિઓની આવક અંદાજે 70 ટકા ઘટવાથી 80 ટકા બજાર સમિતિઓ બંધ થવાને આરે પહોંચવાના આક્ષેપો કર્મચારી સંઘે લગાવ્યા છે, જ્યારે અંદાજે 500 હંગામી કર્મચારીઓ બેરોજગાર થશે. રાજ્યની બજાર સમિતિઓની વાર્ષીક આવક અંદાજે 3500 કરોડ છે. જેની સામે 150 કરોડ મહેકમ ખર્ચ હોય છે. જેથી સરકાર કર્મચારીઓના વેતન માટે ગ્રાન્ટ ફાળવે કે પછી એમનો અન્ય કોઈ સરકારી વિભાગમાં સમાવેશ કરે એવી માગ કરવામાં આવી છે.