નવસારી:નવરાત્રી પર્વની ઉજવણી પૌરાણિક સમયથી ગુજરાતમાં ચાલતી આવી છે. જેમાં અલગ અલગ રીતે નવરાત્રિના દસ દિવસ માની આરાધના કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે ગરબાનું આયોજન કરી ગરબા રમી મા અંબાની આરાધના કરવામાં આવે છે. ગુજરાતના દરેક શહેર અને જિલ્લામાં અલગ અલગ રીતે પોતાની વિશેષ પ્રકારની આવડતથી ખેલૈયાઓ ગરબા રમતા આવ્યા છે. જેમાં નવસારીના ગણદેવીમાં રમાતા દોરી રાસએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ ગરબા રમવા માટે વિશેષ પ્રકારની આવડત જોઈતી હોય છે.
Navratri 2023: નજર ચૂકશો તો ગૂંચવાઈ જશો, જાણો નવસારીમાં રમાતા દોરી રાસ વિશે... - નવસારીમાં રમાતા દોરી રાસ
આજે નવરાત્રી પર્વની ઉજવણી પૌરાણિક સમય કરતા ક્યાંય બદલાઈ ગઈ છે. જોકે પૌરાણિક ઢબે રમાતા ગરબા પ્રત્યે ખેલૈયાઓમાં પણ આકર્ષણ જોવા મળી રહ્યું છે. તેમાંય વિશિષ્ટ પ્રકારે થતાં ગરબા હંમેશા ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આવા જ એક વિશિષ્ટ પ્રકારના દોરી રાસ નવસારી ખાતે રમાઈ રહ્યા છે.
Published : Oct 22, 2023, 12:17 PM IST
કેવી રીતે રમાય છે દોરી રાસ: ગણદેવી નગરનો દોરી રાસ પ્રાચીન પદ્ધતિથી રમાતો રાસ છે. જેને સામાન્ય નર કે નારી ચાહે તો પણ આ દોરી રાસ રમી શકતા નથી. આ દોરી રાસમાં ચોક્કસ તાલીમ પામેલા લોકો જ રંગત ઉઠાવી શકતા હોય છે. દોરી રાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે, જે આગળ પાછળ ગોળ ફરી રાસ રમે છે અને દોરી એની જાતે ગૂંચવાતી અને છૂટતી જાય છે. બુદ્ધિ ક્ષમતાનો રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરી રાસની મજા ઉઠાવી શકતા હોય છે. નહીતર અન્ય દોરી રાસની માફક રમે તો દોરીની ગુચમાં ગુંચવાઈ જાય છે.
પરંપરાને જાળવી રાખવા પ્રયત્નો: ગણદેવીના કુંભાર સમાજના લોકો પોતાના બાપ દાદાઓના સમયથી વિશિષ્ટ પ્રકારનો દોરી રાસ રમી માની આરાધના કરે છે. લુપ્ત થવાના આરે આવેલ આ દોરી રાસને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે. બાપદાદાથી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી. બાપદાદા પાસે મળેલી આ કળાને આજના યુવાનો આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.