નવસારી : ચીનથી શરૂ થયેલો કોરોનાનો કહેર ભારત સહિત ગુજરાત અને નવસારીમાં પણ જોવા મળ્યો છે. નવસારી જિલ્લામાં ગત એક મહિનામાં કોરોનાના શંકાસ્પદ બે કેસો નોંધાયા હતા. જેમનો રિપોર્ટ નેગેટિવ આવતા જિલ્લા તંત્રએ રાહત અનુભવી છે. જોકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સૂચનાથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે જિલ્લાના 6 CHC મળી 100 બેડની સુવિધા કરી, કોરોનાની સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને કોરોનાથી બચવાના હાથ રેગ્યુલર ધોવા સહિત અન્ય માહિતી આપી જાગરૂકતા ફેલાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
નવસારીમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ, બે શંકાસ્પદ કેસ નેગેટિવ
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોના વાયરસને લઈને ગુજરાત સરકાર પણ સક્રિયતા દાખવી રહી છે. જેમાં શનિવારે સરકાર દ્વારા જિલ્લાના પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી 31 માર્ચ સુધી સામુહિક ભેગા થવા પર કાપ મુકવા સાથે વિદેશથી આવનારા નાગરિકોની તપાસ કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં નવસારીમાં ચીનથી 32 સહિત કુલ 155 નાગરિકો વિદેશથી વતન પરત ફર્યા છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવે નવસારી જિલ્લા અધિક કલેક્ટર કમલેશ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિખ સહિત આરોગ્ય વિભાગના ડોક્ટરો સહિત ખાનગી હોસ્પિટલના ડૉકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના નાગરિકોને 31 માર્ચ સુધી જરૂરી ન હોય તો સામુહિક રીતે ભેગા થાવાનું ટાળવા સાથે જ વિદેશથી આવતા લોકોની માહિતી મેળવવા આદેશ કર્યા છે. જેને પગલે DDO દ્વારા જિલ્લાના તમામ ગામોના સરપંચોને પત્ર પાઠવી કોરોના વિશેની સતર્કતા સાથે વિદેશથી કોઈ આવે તો તાત્કાલિક જાણ કરાવા જણાવ્યું છે.
અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 155 લોકો વિદેશથી આવ્યા છે. જેમાં 32 લોકો ચીનથી આવ્યા હોવાની માહિતી મળી છે. જેમાંથી 2 લોકો કોરોના વાયરસ શંકાસ્પદ હતા. જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સાથે જ તંત્રએ વિદેશથી આવેલા અન્યોને પણ તેમના ઘરે 14 દિવસો સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. સાથે જ તંત્ર કોરોનાને લઇ સતર્કતા રાખી રહ્યું છે.