નવસારી : કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે ભારત સરકાર દ્વારા 14 એપ્રિલ સુધીના સમગ્ર દેશમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે આજથી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે. નવસારીમાં અલગ અલગ બાંધકામ સાઇટ પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી ગામોમાંથી દિહાડી મજૂરી માટે આવતા મજૂરોની હાલત કફોડી બની છે. લોકડાઉનને કારણે કામ બંધ થતાં મજૂરોને ખાવા-પીવાની પણ સમસ્યા ઉભી થઈ છે. જેથી બે દિવસ રાહ જોયા બાદ બુધવારે સવારે નવસારીના સિંધી કેમ્પમાં પંચવટી સોસાયટીના સામેના ખુલ્લા મેદાનમાં પડાવ નાખીને રહેતા 60થી વધુ મજૂરો પોતાનો પડાવ બંધ કરી 150 કિમી દૂર પોતાના વતન મહારાષ્ટ્રના અક્કલકુવા જવા પગપાળા નીકળ્યા હતા.
કોરોના ભય : મજૂરો પગપાળા ગામ જવા નીકળ્યા, પોલીસે અટકાવ્યા - gujaratinews
ગુજરાતમાં કોરોના વાઇરસના મામલા સતત વધી રહ્યાં છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 39 પર પહોંચી ગયો છે. શહેરમાં બાંધકામ ઉદ્યોગમાં આવતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મજૂરો કામ બંધ થતાં ખાવાની તકલીફ શરૂ થઈ છે. પોતાનો પડાવ છોડી પોતાના વતન જવા પગપાળા નીકળ્યા હતા. જેમને નવસારીના ગ્રીડ નજીક પોલીસે અટકાવી આગળ ન જવા સમજાવ્યા હતા અને બાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને શહેરની પ્રાથમિક શાળામાં રાખવા સાથે જ ખાવા -પીવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જેમની સાથે 17 જેટલા માસુમ બાળકો પણ હતા, પરંતુ આકરા તાપમાં ભૂખ્યા તરસ્યા બાળકોને લઈને નીકળેલા મજૂરોને નવસારી હાઈ-વે પર ગ્રામ્ય પોલીસે અટકાવ્યા હતા. બીજી તરફ પોલીસ જવાનોએ તેમના માટે આવેલો નાસ્તો મજૂરોના બાળકોને કરાવી માનવતા મહેકાવી હતી. આ સાથે જ મજૂરોને પાણીની બોટલો પણ વહેંચી હતી.
પોલીસે પગપાળા નીકળેલા મજૂરોની નવસારી વહીવટી તંત્રને જાણ કરતા નવસારી પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા નાયબ પોલીસ વડા એસ. જી. રાણા, નવસારી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મજૂરોની માહિતી લીધા બાદ તેમને નજીકની શાળામાં રાખવાની વ્યવસ્થા ગોઠવી હતી.