નવસારી : કોરોના વાઇરસે નવસારીમાં ગત 21 એપ્રિલના રોજ નવસારીમાં પગ પેસારો કર્યો હતો, ત્યારબાદ એક પછી એક કુલ ત્રણ કેસો નોંધાયા બાદ ગત 25, એપ્રિલના રોજ નવસારી તાલુકાના સડક ફળિયાના રહેવાસી 65 વર્ષીય પશુપાલક ઇશ્વરભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા તેમને નવસારીની કોવીડ-19 હોસ્પિટલ, યશફીન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમનો અઠવાડિયા બાદ કરવામાં આવેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યાર પછીનો ત્રીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા આજે સોમવારે બપોરે ઈશ્વરભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઈશ્વરભાઈ કોરોના સામેની જંગ જીત્યા બાદ ઘરે જવા નીકળતા, હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ડોક્ટર અને સ્ટાફે ટાળીઓ પાડી ઉત્સાહ સાથે વિદાય આપી હતી. જેને લઈને કોરોના યોદ્ધા ઈશ્વરભાઈએ સારવાર આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કોરોના સામેની જંગમાં લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.