નવસારી: નવસારી જિલ્લામાં ગત થોડા દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બુધવારે સૌથી વધુ 26 કેસો નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે, પરંતુ નવસારીના વિજલપોર વિસ્તારમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 22 કોરોના પોઝિટીવ કેસો નોંધાતા વિજલપોર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. જેને લઈને વિજલપોરથી સુરત અપ-ડાઉન કરતા લોકોનો સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 137 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 53 લોકોને ડિસ્ચાર્જ કરાવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નવસારીમાં કોરોના બ્લાસ્ટ, વિજલપોર બન્યું હોટસ્પોટ - વિજલપુમાં કોરોના
નવસારીના વિજલપોર વિસ્તારમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 22 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા વિજલપોર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. જેને લઈને વિજલપોરથી સુરત અપ-ડાઉન કરતા લોકોનો સર્વે શરૂ કરાયો છે.
કોરોના મહામારી જાહેર થયાના 28માં દિવસે નવસારીમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં એક પછી એક કોરોનાના કેસો વધતા રહ્યા છે અને 43 દિવસ બાદ ગત 2 જૂન સુધીમાં જિલ્લામાં 26 કેસ પોઝિટિવ નોંધાયા હતા.
ગત અઠવાડિયાથી નવસારીમાં કોરોનાના કેસો વધતા રહ્યા છે. જેમાં 1 જુલાઈના રોજ જિલ્લામાં સૌથી વધુ 26 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેથી નવસારીવાસીઓ સહિત તંત્ર ચિંતિત બન્યું છે. બીજી તરફ નવસારીના વિજલપોરમાં 22 મેથી 22 જૂન એક મહિનામાં ફક્ત 4 કેસ હતા, ત્યાં 24 જૂનથી 1 જુલાઈ સુધીમાં કોરોનાના નવા 18 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેના કારણે વિજલપોર કોરોના હોટસ્પોટ બની રહ્યું હોય એવી સ્થિતિ બની છે. વિજલપોરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા નોકરી-ધંધા માટે સુરત જતા લોકોનો સર્વે હાથ ધરી કોરોનાને અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.