- દાદાભાઈ નવરોજજી માર્કેટનું કામ ખોરંભે ચઢ્યું
- સમય અવધિમાં કામ શરૂ ન થતા ગ્રાન્ટનો હેડ બદલાયો
- હવે માર્કેટ માટે આવેલી ગ્રાન્ટ શહેરના અધૂરા રીંગરોડ બનાવવા વપરાશે
નવસારી: નવસારીમાં 53 વર્ષ અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા પાંચ હાટડી સ્થિત માર્કેટ જર્જરીત થતાં તેના નવનિર્માણ માટે પાલિકાએ સરકારમાંથી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી પરંતુ માર્કેટના દુકાનદારો સાથે નિર્માણને લઈ ગુંચવાયેલું કોકડુ પાલિકા ઉકેલી ન શક્તા, ટેન્ડર થયા બાદ પણ ગ્રાન્ટની બે વર્ષની સમય અવધી પૂર્ણ થતા ગ્રાન્ટ સરકારમાં પરત થઈ છે. જેથી કોંગ્રેસ, પાલિકાના શાસકો અને અધિકારીઓની અણઆવડતના આક્ષેપો લગાવી આક્રોશ ઠાલવી રહ્યું છે. જ્યારે માર્કેટના નાના વેપારીઓ વહેલી તકે માર્કેટ બને એવી માગ કરી રહ્યા છે.
ટેન્ડરીંગ કર્યા બાદ પણ 5 હાટડી માર્કેટના બાંધકામ માટે ખાતમુહૂર્ત ન થયું
નવસારીના પાંચ હાટડી વિસ્તારમાં નવસારી નગર પાલિકાએ વર્ષ 1968માં દાદાભાઈ નવરોજજીના નામે માર્કેટ બનાવી હતી. જેમાં આગળના ભાગે 9 દુકાનો અને ઓફિસો તેમજ પાછળ ઓટલાઓ બનાવી મચ્છી માર્કેટ, મટન માર્કેટ અને શાકભાજી માર્કેટ એમ ત્રણ માર્કેટ એકી સાથે શરૂ કરી હતી. વર્ષો વિતતા માર્કેટ યોગ્ય મરામતના અભાવે જર્જરીત થતાં તેના નવીનીકરણની માગ ઉઠી હતી. જેથી બે વર્ષ પૂર્વે નવસારી નગર પાલિકાએ બે 2.09 કરોડના ખર્ચે પાંચ હાટડી માર્કેટ નવી બનાવવાનું આયોજન કર્યુ હતુ.
આ પણ વાંચો:CM રૂપાણી અને નીતિન પટેલ ભાવનગરમાં 70 કરોડના કામનું કરશે લોકાર્પણ
જેની સાથે માર્કેટમાં બેસતા શાકભાજી, મચ્છી અને મટન વિક્રેતાઓને માર્કેટ ખાલી કરવા મનાવી, તેમને વહેલી તકે નવી માર્કેટ બનાવી આપવાનું આશ્વાસન આપ્યુ હતુ પરંતુ બે વર્ષો વિતવા છતાં માર્કેટ ન બનતા નાના વેપારીઓમાં રોષ જોવ મળ્યો હતો.
દુકાનદારોના વિરોધને કારણે માર્કેટનુ કામ ખોરંભે ચઢ્યું હતું
નવસારી પાલિકાએ માર્કેટ માટે ટેન્ડરિંગ કરી કોન્ટ્રાક્ટર પણ નિમ્યો હતો પરંતુ માર્કેટની આગળ આવેલી 9 દુકાનોના દુકાનદારોએ વિરોધનો સૂર છેડતા કામ અટવાયું હતુ. જેમાં પાલિકાએ દુકાનદારો સાથે બેઠકો કરી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો, પણ પાલિકા અને દુકાનદારોની વચ્ચે સહમતિ ન સધાતા માર્કેટના બાંધકામનું કામ ખોરંભે ચઢ્યુ હતુ. જોકે દુકાનદારો પાલિકા સાથેની બેઠકો સહયોગાત્મક રહી હોવાનું કહી રહ્યા છે સાથે જ ગ્રાન્ટ પરત થવા મુદ્દે કોરોનાનુંં કારણ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.