- સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા 10 વર્ષ અગાઉ એજન્ટ રોકી, નવસારીના અંદાજે દોઢસો લોકોને છેતર્યા
- ફ્રી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા સાથે 2500 ટીડીએસના જમા કરાવવાની આપી હતી લાલચ
- સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ સામે લેખિત ફરિયાદ આપી છે અને PSI નીતા ચૌધરીએ તેની તપાસ કરી છે
નવસારી: સરકારમાં ટેક્સ ભરવાથી બચવા ભેજાબાજો ઘણા ટિકડમ લગાવતા હોય છે. સુરતના એક ભેજાબાજે દસ વર્ષ અગાઉ મફતમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરી આપવા સાથે જ વર્ષે 2500 રૂપિયા ટીડીએસ પેટે આપવાની લોભામણી લાલચ આપી હતી. એજન્ટ મારફતે નવસારીના અંદાજિત દોઢસો લોકોના ઓળખના દસ્તાવેજો મેળવી, સુરતની વિવિધ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. ખાતા ખોલાવી લાખોના ટ્રાન્ઝેક્શન કરી સરકારી ટેક્સ ચોરી કરી, સરકારને ચૂનો ચોપડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચોઃમોરબીઃ રુપાલા-અમૃતિયાના સગાની સંડોવણી? 4 કોલસા વેપારીઓએ 130 કરોડની ટેક્સ ચોરી કર્યાની ફરિયાદ
ટેક્સ ચોરીનો સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરાઇ હતી
ટેક્સ ચોરીનો સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ, પોલીસમાં લેખિત ફરિયાદ કર્યાના બે મહિના થયા છતાં કાર્યક્ષેત્રને લઇ પોલીસ ગુનો નોંધવામાં આંટા મરાવી રહી હોવાના આક્ષેપો ફરિયાદીના મહિલા વકીલે કર્યા છે.
નવસારીની મહિલાઓના ઓળખ દસ્તાવેજો મેળવી સુરતની બેન્કમાં ખોલાવ્યાં ખાતા સુરતની વિવિધ બેંકોમાં બોગસ દસ્તાવેજોના આધારે ખાતા ખુલ્યા હોવાની ફરિયાદ
સુરતના એક કન્સલ્ટન્ટ દ્વારા વર્ષ 2011થી આંકડાની રમત રમી કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાની ઘટના નવસારીમાં ચર્ચામાં છે. નવસારીના મહિલા વકીલ ફાલ્ગુની કોઠારીએ નવસારી પોલીસ વડા, કલેક્ટર અને નવસારી ટાઉન પોલીસ મથકે કરેલી લેખિત ફરિયાદ અનુસાર, સુરતના એક ટેક્સ કન્સલ્ટન્ટ સાથે જોડાયેલા નવસારીના એજન્ટે વર્ષ 2011માં નવસારીના મધ્યમ વર્ગીય પરિવારોને ફ્રીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા સાથે વર્ષે 2500 રૂપિયા ટીડીએસ પેટે તેમના ખાતામાં જમા કરાવવાની લાલચ આપી અંદાજે દોઢસો લોકોના ફોર્મ ભરી, તેમના ઓળખના દસ્તાવેજો મેળવ્યા હતા.
સમગ્ર મુદ્દે આવકવેરા વિભાગ, જીએસટી વિભાગ તપાસ કરે એવી માગ
સુરતના ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા નામ-ઓળખના દસ્તાવેજો લોકોના ઉપયોગ કરી, સુરતના સરનામા સાથે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. આ ખોટા દસ્તાવેજોના આધારે સુરતની વિવિધ બેન્કમાં અન્ય ઉદ્યમીઓ માટે ખાતા ખોલાવી તેમાં લાખોના ટ્રાન્ઝેક્શન કર્યા છે. બેન્ક ખાતામાં લાખો કરોડો રૂપિયા બેલેન્સ હોવાનું પણ મહિલા વકીલની જાણમાં આવ્યું છે. જેથી તેમણે તેમના મહિલા અસીલો તરફે ટેક્સ કન્સલ્ટન્ટે બોગસ દસ્તાવેજોના આધારે સરકારના વિવિધ વિભાગો સાથે છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપો કર્યા છે. સમગ્ર મુદ્દે આવકવેરા વિભાગ, જીએસટી વિભાગ તપાસ કરે એવી માગ પણ કરી છે.
નવસારીની મહિલાઓના ઓળખ દસ્તાવેજો મેળવી સુરતની બેન્કમાં ખોલાવ્યાં ખાતા પોલીસમાં લેખિત ફરિયાદ બાદ નવસારીના એજન્ટનું થયુ અપહરણ!
મહિલા વકીલની લેખિત ફરિયાદ બાદ નવસારીના એજન્ટનું અપહરણ થયું હોવાના અને એના વિશે ટાઉન પોલીસમાં ફરિયાદ પણ કરી હોવા છતાં નવસારી પોલીસે સમગ્ર મુદ્દે ઢાંકપિછોડો કર્યાનો આક્ષેપ પણ મહિલાએ લગાવ્યો છે. ત્યારે નવસારી પોલીસ વડા સમગ્ર મામલે તપાસ કરાવે તો સરકાર સાથે ટેકસના નામે થયેલી મોટી છેતરપિંડી સામે આવી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.
આંકડાની રમત રમતા લોકો, ટેક્સ બચાવવા ગુંથે છે આંકડાની માયાજાળ
નવસારીના નિષ્ણાંતોના મતે, ટેક્સ કન્સલ્ટન્ટ પોતાના મોટા ક્લાયન્ટના કાળા નાણાંને સફેદ કરવા માટે અથવા ટેક્સ બચાવવાના ચક્કરમાં આવા ટિકડમ લગાવતા હોય છે. જેમાં રેગ્યુલર બેન્ક સાથે કામ કરતા હોવાથી બેન્ક મેનેજરો સાથે ઘરોબો હોવાથી બેન્ક ખાતા પણ ખૂલી જતા હોય છે. બીજી તરફ ટીડીએસ માટે પ્રથમ નાણાં તમારા ખાતામાં જમા કરાવી દે છે અને તેને લોન અમાઉન્ટ બતાવી, તેના પર ટીડીએસ મેળવી લેતા હોય છે. આ આંકડાની રમત છે, જેમાં ટેક્સ બચાવવા માયાજાળ ગૂંથાઇ છે.
આ પણ વાંચોઃસુરતના ગેરેજમાં ચાલતી ટેક્સ ચોરી, 4 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
ટાઉન પોલીસે અરજીની તપાસ કરી, ફરિયાદીને સુરત ગુનો નોંધાવવા સમજાવ્યા - ટાઉન PI
સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઇ મયુર પટેલે જણાવ્યુ હતુ કે, મહિલા વકીલ ફાલ્ગુની કોઠારી દ્વારા સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ સામે લેખિત ફરિયાદ આપી છે અને PSI નીતા ચૌધરીએ તેની તપાસ કરી છે. જેમાં મહિલા વકીલ અને ફરિયાદી મહિલાઓને સુરતના મહિધરપુરા પોલીસ મથકે ગુનો નોંધાવવા માટેની સમજ આપી હતી. સમગ્ર મુદ્દે સુરત પોલીસના ઇકોનોમી ડિપાર્ટમેન્ટ અને સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવા જણાવ્યું હોવાની માહિતી મળી છે.