- 60થી ઉપરના અને કોમોર્બીડ મળી કુલ 1923 લોકોને અપાઈ રસી
- જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ અપાશે કોરોના વેક્સિન
- જિલ્લામાં 60 વર્ષથી ઉપરના 3 લાખ લોકોને રસી આપવાનું છે લક્ષાંક
નવસારીઃ કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થયુ છે અને ભારતમાં વર્ષ પૂર્વે જ કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં આજથી ત્રીજા ચરણના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં 60 વર્ષથી ઉપરના 3 લાખ લોકોના લક્ષાંક સામે આજે પ્રથમ દિવસે કોમોર્બીડ દર્દીઓ સાથે કુલ 1,923 લોકોને કોરોના વેક્સિન અપાઈ હતી.
આધેડ અને વૃદ્ધોને સમજાવીને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાશે
કોરોના વાઇરસ સામે એક સમયે માણસ પાંગળો સાબિત થયો હતો. કોરોનાને કારણે મોતનો આંકડો ન વધેએ હેતુથી ભારત સરકારે લોક ડાઉન લગાવી, કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાં પણ ખાસ કરીને વૃદ્ધોને વધુ તકેદારી રાખવાની સલાહ હતી. હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને કોરોનાને નાથવા વેક્સિન પણ તૈયાર થઈ છે. તો પ્રથમ અને બીજા ચરણમાં કોરોના સામે લડતા ફ્રન્ટ લાઈન વોરીયર્સને રસી આપ્યા બાદ આજથી 60 વર્ષથી ઉપરના અને 45 થી 59 વર્ષ વચ્ચે કોમોર્બીડ દર્દીઓને ત્રીજા ચરણમાં કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન આરંભ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ સાથે હવે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસી મુકાવી શકાશે, જેની કિંમત પણ ભારત સરકારે નક્કી કરી છે. જેમાં એક વખત રસી મુકવાના 250 રૂપિયા ચુકવવા પડશે. જોકે સરકારી આરોગ્ય કેન્દ્રો પર કોરોના રસી નિઃશુલ્ક મુકવામાં આવશે.