નવસારી :જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12ના કુલ 38,134 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના પ્રથમ દિવસે નવસારી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે વિદ્યાર્થીઓને ફુલ આપી આવકાર્યા અને કોઈપણ જાતનો ડર અને પરીક્ષાનો ભાવ રાખ્યા વિના શાંત મનથી પરીક્ષા આપવા માટે હાકલ કરી હતી
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં વહીવટી તંત્રએ તમામ વિદ્યાર્થીઓને ડર વિના અને શાંત મને પરીક્ષા આપવા હાકલ કરી છે અને શુભેચ્છા પાઠવી છે. ધોરણ 10ના 20,740 વિદ્યાર્થીઓ બોર્ડની પ્રથમવાર પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં 11,772 અને સાયન્સના 5622 મળી કુલ 38134 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓ માટે સુવિધા : જિલ્લામાં 114 ઇમારતોમાં 1500થી વધુ બ્લોક CCTV કેમેરાથી સજ્જ હોય છે. કોઈપણ જાતની અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ બન્યું છે. દરેક બ્લોકનના CCTV ફૂટેજ સિટીમાં લીધા બાદ એનાલિસિસ પણ કરવામાં આવશે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે કોઈ મૂંઝવણ ઊભી ન થાય તે માટે પણ માહિતી માટે હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે તેવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.