વિકાસના ટ્રેકમાં કછોલ ગામના 50 વીઘા ખેતર ભોગ બન્યા નવસારી :કછોલ ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે ગામના ખેડૂતોની જમીન સંપાદન થયા બાદ સમગ્ર પ્રોજેક્ટનું કામ એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવ્યું હતું. કંપની દ્વારા બુલેટ ટ્રેનનું કામ બુલેટની ગતિએ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કછોલ ગામે પ્રોજેક્ટની કામગીરી અર્થે એલ એન્ડ ટી કંપની દ્વારા કાસ્ટિંગ યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાંથી સિમેન્ટ અને કેમિકલ યુક્ત પ્રવાહી ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ કછોલ ગામમાં વિવાદ વકર્યો છે.
50 વીઘા પાક નષ્ટ : કછોલ ગામના ખેડૂત આનંદ પટેલે આ સમસ્યા અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાંથી સિમેન્ટ મિશ્રિત રગડો અને કેમિકલ યુક્ત પાણી કછોલ ગામના ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવી રહ્યું છે. 50 વીઘા જેટલા વિસ્તારમાં આ સમસ્યા છે. જેમાં ડાંગરથી લઈને ફૂલોના પાકની ખેતી કરવામાં આવે છે. જેમાં 90% પાક નષ્ટ થયો છે. એક વીઘા દીઠ ત્રીસ હજાર રૂપિયા જેટલું નુકસાન ખેડૂતોને થઈ રહી છે. ખેડૂતોનો અમૂલ્ય ઉભો પાક સિમેન્ટના રગડા અને કેમિકલ યુક્ત પાણીના કારણે નષ્ટ થઈ રહ્યો છે.
આંદોલનની ચિમકી :આ ઉપરાંત બચી ગયેલો પાક પણ ગુણવત્તા વગરનો હોવાથી બજારમાં તેનો ભાવ પણ મળતો નથી. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સમગ્ર બાબતે ગ્રામ પંચાયત અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં પણ કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમારા ગામ પાસે કામ ચાલી રહ્યું છે. તેમાં નીકળતા કેમિકલ યુક્ત પાણી અને સિમેન્ટના રગડાથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. જેની એલ એન્ડ ટી કંપનીના સંચાલકોને લેખિતમાં અને મૌખિક રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જો આ પ્રશ્ન યથાવત રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.-- આનંદ પટેલ (સ્થાનિક ખેડૂત)
સમસ્યાનું સમાધાન : આ અંગે નવસારીના પ્રાંત અધિકારી રાજેશ બોરડે સમસ્યાના સમાધાનની વાત કરી હતી. તેઓેએ જણાવ્યું હતું કે, કછોલ ગામના ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેની ફરિયાદ અમારા સુધી આવી છે. અમે સંકલન કાર્યક્રમમાં કલેકટર સમક્ષ ખેડૂતોની સમગ્ર રજૂઆત મૂકીશું. આ પ્રશ્ન જલ્દીથી હલ થાય તેવા સમગ્ર પ્રયાસો કરવામાં આવશે.
- Navsari News: નવસારીના ખેડૂતે પુખીને પદ્ધતિ દ્વારા ડાંગરની ખેતીમાં ખર્ચ અને સમય બચાવી સારું ઉત્પાદન મેળવ્યું
- Dragon Fruit: મહીસાગરના ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતીથી ઉભી કરી મબલક આવક, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી