નવસારી : નાસિકથી કાર ભાડે કરી અમદાવાદ જઈ રહેલા બે અજાણ્યા શખ્સોએ કાર ચાલક પર ફાયરિંગ કરી કાર લૂંટીને ફરાર થયા હતા. આ ઘટના વઘઈ-વાંસદા માર્ગ પર વીસગુલ્યા ગામ નજીક ઘટી હતી. ઘટનાની જાણ થતા જ વાંસદા પોલીસ સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને તાત્કાલિક પ્રથમ વાંસદા અને બાદમાં વલસાડ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
વઘઇ-વાંસદા રોડ પર ફિલ્મી ઢબે કારની લૂંટ, 2 શખ્સોએ કાર ચાલક પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું - Waghai Vansada Road
નાસિકથી કાર ભાડે લઇ અમદાવાદ જઈ રહેલા બે અજાણ્યા શખ્સોએ વઘઈ-વાંસદા માર્ગ પર વીસગુલ્યા ગામ નજીક લઘુશંકાના નામે કાર થોભાવી હતી. ત્યારબાદ કાર ચાલક પર ફાયરિંગ કરી કાર લૂંટીને ફરાર થયા હતા.
મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા જયેશ સોમનાથ ડગલે ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સોમવારે રાત્રે બે અજાણ્યા ઇસમોએ તેની કાર અમદાવાદ જવા માટે ભાડે કરી હતી અને જયેશ બન્નેને લઈને અમદાવાદ માટે નીકળ્યો હતો. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે વઘઇ-વાંસદા માર્ગ પર વીસગુલ્યા ગામ નજીકથી પસાર થતી વેળાએ બન્ને અજાણ્યા શખ્સોએ જયેશને લઘુશંકા માટે કાર ઉભી રાખવા જણાવ્યું હતું. કાર ઉભી રાખી ચાલક જયેશ નીચે ઉતર્યો અને કંઇક સમજે એ પૂર્વે જ બન્નેમાંથી એક શખ્સે અચાનક જયેશ પર ફાયરિંગ કર્યુ હતું. એક બાદ એક ત્રણ રાઉન્ડ ગોળીઓ છોડતા જયેશને બે ગોળીઓ વાગી અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
બીજી તરફ બન્ને અજાણ્યા હુમલાવરો જયેશની કાર લૂટી ઘટના સ્થળેથી પરત મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યા હતા. ફાયરિંગ થયું હોવાની માહિતી મળતા જ વાંસદા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક જયેશને પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. ફાયરિંગના પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની પૂછપરછ કરી તપાસ આરંભી હતી.