નવસારી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈ વચ્ચે કાર્યરત થઈ રહ્યો છે. જેને લઈને જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર જમીન સંપાદન પ્રક્રિયામાં અમદાવાદથી મુંબઈ સુધીના ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં જમીનોનું વળતર ચૂકવવામાં આવ્યું છે જેના થકી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. નવસારી જિલ્લામાં પણ 32 કિ.મી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 28 ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોને પોતાની જમીનના સારા વળતર મળતા માલામાલ થયા છે.
બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા: નવસારી જિલ્લાના કછોલ ગામના ઈશ્વરભાઈ પટેલને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદનમાં પોતાની એક વીઘા જમીનના 92 લાખ રૂપિયા મળતા તેઓ પણ ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. ઈશ્વરભાઈ પોતાના દીકરાને ઉચ્ચ શિક્ષણ અર્થે કેનેડા મોકલ્યો છે તથા પોતાના વર્ષો જૂના કાચા મકાનને તોડી બે માળનું સુખ સુવિધા મકાન બનાવ્યું છે. બચેલી રકમને તેઓએ બેંકમાં એફડી કરી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કર્યો છે.
કાચા મકાનને તોડી નવું મકાન બનાવ્યું: કછોલના જ ખેડૂત ભરતભાઈ પટેલ જણાવે છે કે તેઓની 18000 સ્ક્વેર ફૂટ જમીન સંપાદનમાં ગઈ છે. જમીન સંપાદનમાંથી તેઓએ સરકાર તરફથી ઉચ્ચ વળતર મળ્યું હતું. ભરતભાઈ પટેલે જણાવ્યું કે, 'જમીન સંપાદનમાંથી મળેલી રકમમાંથી પોતાના કાચા મકાનને તોડી નવું મકાન બનાવ્યું છે. અમારી પાસે પહેલા બાઈક હતી અને આજે અમે મોંઘી દાટ કાર વસાવી સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. બાળકોને શિક્ષણ સમસ્યા હતી પરંતુ હવે બાળકો વિદેશમાં ભણી રહ્યા છે.'