- દાંડીથી BSF ના 15 જવાનો 1308 કિમીની યાત્રા પૂર્ણ કરી પહોંચશે દિલ્હી રાજઘાટ
- સાયકલ યાત્રાને BSF ના IGP જી.એસ.મલિકે ફ્લૅગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું
- યાત્રા પૂર્વે મિલેટ્રી બેન્ડ દ્વારા બાપુના ભજનોની રેલાવી સુરાવલી
નવસારી: ભારત આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ્યુ છે, ત્યારે સરકાર સાથે અનેક લોકો આઝાદીના અમૃત મહોત્સવને ઉજવી રહ્યા છે. જેમાં સોમવારે નવસારીના ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારકથી દેશની રક્ષામાં ખડે પગે રહેનારા સીમા સુરક્ષા દળ (BSF) ના 15 જવાનોએ એકતા અને સુરક્ષાના સંદેશ સાથે દિલ્હીના રાજઘાટ સુધીની સાયકલ યાત્રા આરંભી હતી.
એકતા અને સુરક્ષાના સંદેશ સાથે BSF જવાનોએ દાંડીથી રાજઘાટ સુધી કાઢી સાયકલ યાત્રા ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલા દાંડીમાં જવાનોએ બાપુને અર્પી શ્રદ્ધાંજલિ
દેશની સુરક્ષામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનો અડગતાથી ઉભા હોય છે. ભારતની આઝાદી આ જવાનોને કારણે જ સુરક્ષિત રહી છે. આઝાદ ભારત 75 માં વર્ષમાં પ્રવેશ્યું છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવને ભારતીય જવાનો પણ અલગ અંદાજમાં પોતાની શૌર્યગાથા તેમજ દેશમાં એકતા અને સુરક્ષાના સંદેશ સાથે ઉજવી રહ્યા છે. સોમવારે સવારે સીમા સુરક્ષા દળ (BSF) ના 15 જવાનોએ આઝાદીના પ્રવેશદ્વાર સમાન ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અહીં મિલેટ્રી બેન્ડ દ્વારા પણ મહાત્માને પ્રિય ભજનોની સુરાવલી વહાવી હતી. BSF ના પોલીસ મહાનિર્દેશક જી.એસ.મલિકે દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમના શ્રીગણેશ કરાવ્યા હતા. જે બાદ BSF ના ઇન્સ્પેક્ટર સહિત 15 જવાનોને IGP મલિકે ફ્લૅગ ઑફ કરી, સાયકલ યાત્રાને પ્રારંભ કરાવ્યો હતો. જવાનો દાંડીથી 1308 કિમીની યાત્રા પૂર્ણ કરી 2 જી ઓક્ટોબરના રોજ દિલ્હીના રાજઘાટ પહોંચશે. યાત્રા દરમિયાન જવાન એક ભારત, શ્રેષ્ઠ ભારત અને ક્લીન ભારત, ગ્રીન ભારતનો સંદેશ ભારતીયોને આપશે.
એકતા અને સુરક્ષાના સંદેશ સાથે BSF જવાનોએ દાંડીથી રાજઘાટ સુધી કાઢી સાયકલ યાત્રા