- ઓડિશાના સાંસદ અપરાજિતા સારંગી સાથે 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે શીખી પેજ પ્રમુખની કક્કા-બારખડી
- ગુજરાતમાં અસરકારક નીવડી છે, પેજ પ્રમુખની રણનીતિ
- ઓડિશાના પ્રતિનિધિ મંડળે નવસારીના ગામડાઓમાં ફરી પેજ પ્રમુખની જાણી બારીકાઇ
- પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી નવસારી લોકસભા પર જંગી બહુમતીથી જીત્યાં હતાં સાંસદ સી. આર. પાટીલ
નવસારી : ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પર સી. આર. પાટીલે મૂળ મધ્યપ્રદેશમાં લાગુ થયેલી પેજ પ્રમુખની ફોર્મ્યુલા ઉંચકી, તેમાં સુધારા કરી, રણનીતિ બનાવી હતી. જેના પરિણામે સી. આર. પાટીલ સમગ્ર ભારતમાં જંગી બહુમતીથી ચૂંટણી જીત્યાં હતાં. આ ફોર્મ્યુલાને પાટીલે પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ ગુજરાત વિધાનસભાની પેટાચુંટણીમાં અપનાવી અને 8 વિધાનસભા ભાજપના ખોળામાં આવી હતી. ત્યારબાદ તાલુકા અને જિલ્લા પંચાયત કબજે કરવામાં પણ પેજ પ્રમુખ ફોર્મ્યુલા ભાજપ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. તાલુકા-જિલ્લા પંચાયતો ભાજપે જીતી પણ ખરી અને મતોની ટકાવારી પણ વધી હતી. જેથી સી. આર. પાટીલ દ્વારા અપનાવવામાં આવેલ પેજ પ્રમુખની ફોર્મ્યુલાની બારીકાઇ શીખવા ઓડિશાના ભુવનેશ્વરના સાંસદ અને પૂર્વ IAS અપરાજિતા સારંગી સહિત 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ત્રણ દિવસો સુધી નવસારી લોકસભા બેઠકનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યું હતું.
પેજ પ્રમુખ થકી ભાજપને એક પેજ પર મળે છે અંદાજે 150 કાર્યકર્તા
કોઇપણ રાજકીય પક્ષ માટે ચુંટણી જીતવા સંગઠન મજબૂત હોવું ખુબ જ જરૂરી હોય છે. નબળા સંગઠનના સહારે જીત મુશ્કેલ બને છે, ત્યારે ચૂંટણીટાણે રાજકીય પક્ષો સંગઠનને એક્ટિવ કરી ચૂંટણીજંગ જીતવાની રણનીતિ ઘડતાં હોય છે. જેની સામે ગુજરાત ભાજપે મતદારો સુધી પહોંચવા બૂથથી પણ નીચે 30 મતદારોના એક પેજ સુધી પહોંચી, એ પેજના પાંચ મતદારોની કમિટી બનાવી અને એમાંથી જે ભાજપનો જ કાર્યકર્તા હોય અથવા સંગઠનનુ કામ કરી શકે એવા વ્યક્તિને પેજ પ્રમુખ બનાવી, એક બૂથમાં અંદાજે 150 એક્ટિવ કાર્યકર્તાઓ ઉભા કરી લીધા હતાં. જેને કારણે મતદારો સાથે સીધા સંકળાયેલા રહે એવા કાર્યકર્તાઓ ભાજપને મળ્યાં, સાથે જ ચૂંટણીટાણે મતદારોને ભાજપ તરફે રાખવામાં પણ મદદ મળી રહી.
મંડળ પ્રમુખ, બુથ પ્રમુખ અને પેજ પ્રમુખને મળીને જાણી તેમની કાર્યપ્રણાલી
ઓડિશા ભુવનેશ્વરના સાંસદ અને પૂર્વ IAS અપરાજિતા સારંગી સાથે ઓરિસ્સા ભાજપના ઉપાધ્યક્ષ, બે ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ, IT સેલના પદાધિકારીઓ સહિતના પ્રતિનિધિ મંડળે પેજ પ્રમુખની ફોર્મ્યુલા સમજવા નવસારી જિલ્લા ભાજપના પેજ કમિટીના કન્વીનર અશોક ગજેરા, મનીષ પટેલ અને હેમલતા ચૌહાણ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. જેમાં ગણદેવી તાલુકા મંડળ, ગણદેવી શહેર અને બે ગામડાઓમાં જઈ પેજ પ્રમુખને ધ્યાને રાખી મંડળ પ્રમુખ, બૂથ પ્રમુખ અને પેજ પ્રમુખની કાર્યપ્રણાલી સમજી હતી. જેમાં પણ પેજ પ્રમુખ બનાવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું તેમજ એક પેજ પર 30 મતદારો અને તેમાંથી પાંચ કમિટી સભ્યો બનાવવા વિશેની માહિતી મેળવી હતી.
મધ્યપ્રદેશના પન્ના પ્રમુખથી અલગ છે, ગુજરાતની પેજ પ્રમુખની ફોર્મ્યુલા