- જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઑનર સાથે કર્યું સ્વાગત
- ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવસારી પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
- જિલ્લામાં ગુનાખોરીની સ્થિતિ અંગે કરી સમીક્ષા
નવસારી : નવસારી જિલ્લામાં વધતી વસતી સાથે ગુનાખોરી પણ વધી છે. જેને ડામવા માટે નવસારી જિલ્લા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે, ત્યારે નવસારીમાં ભળેલા વિજલપોર શહેરને તેમજ ઝડપથી વિકસી રહેલા બીલીમોરા શહેરને PI કક્ષાના પોલીસ મથક બનાવવાની જાહેરાત આજે નવસારી જિલ્લા પોલીસ વિભાગની સમીક્ષા માટે આવેલા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. આ બેઠકમાં સુરત રેન્જના એડીજી રાજકુમાર પાંડિયન તેમજ નવસારી, ગણદેવીના ધારાસભ્ય તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે સવારે વલસાડ જિલ્લાની સમીક્ષા કર્યા બાદ બપોરે નવસારી પહોંચ્યા હતા. નવસારી પહોંચતા જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્ય પ્રધાનનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત કરાયું હતુ.
જિલ્લામાં ગુનાખોરી અંગે સમીક્ષા બેઠક કરી હતી
જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોએ પણ ગૃહ રાજ્ય પ્રધાનને આવકાર્યા હતા. આગેવાનો સાથે મુલાકાત બાદ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સુરત રેન્જના એડીજી રાજકુમાર પાંડિયન, નવસારીના જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જિલ્લામાં ગુનાખોરી અંગે સમીક્ષા બેઠક કરી હતી.