નવસારી: ગુજરાતમાં વિધાનસભાની પેટા-ચૂંટણીઓ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પણ પડઘમ સંભળાઈ રહ્યા છે. કોરોના કાળમાં પણ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં જોતરાયા છે, ત્યારે ગુજરાતના રાજકારણના પીઢ રાજકારણી અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (બાપુ) પણ પોતાના નવા પક્ષ પ્રજા શક્તિ મોરચા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવા બાપુની હિમાયત - શંકરસિંહ વાધેલા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ અવાર-નવાર લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રજા શક્તિ મોરચાના પ્રમુખ શંકરસિંહ બાપુએ દારૂબંધી હટાવવા હિમાયત કરી છે. આ સાથે જ બાપુએ ગુજરાત વિધાનસભાના 8 બેઠકો માટેની પેટા-ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને પંચામૃત એજન્ડા સાથે ઉતારવાની તૈયારી દર્શાવી છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોમાં થનારી પેટા-ચૂંટણીમાં બાપુએ ડાંગ અને વલસાડના કપરાડા વિધાનસભા બેઠકોની સમીક્ષા કરી હતી. બાપુને જનસંઘ સમયના જુના સાથી અને પૂર્વ સાંસદ કાનજી પટેલનો પણ સાથ મળ્યો છે. ચૂંટણી માટે આરોગ્ય, મફત પાણી, 100 યુનિટ વીજળી માફ અને વર્ષે 2 લાખ સરકારી નોકરી આપવાના એજન્ડા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત, પાલિકા અને મહાપાલિકાની ચૂંટણીઓ લડવાની તૈયારી દર્શાવી છે. જેમાં પણ ખાસ કરીને ગાંધી અને સરદારના નામને દારૂબંધીમાં વટાવવાને બદલે દારૂબંધી હટાવવાની હિમાયત બાપુએ કરી છે.
બાપુએ આક્ષેપ કર્યા કે, ગુજરાતમાં કિલોમીટરે અને કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. આ સાથે જ કેમિકલયુક્ત દારૂ પીવાને કારણે 30 વર્ષથી નાની ઉંમરની લાખો મહિલાઓ વિધવા બની રહી છે.