ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના જંગ: કોરોનાને શરીરમાં પ્રવેશતા અટકાવવા, જિલ્લામાં 3.88 લાખ લોકોને પિવડાવાયો આયુર્વેદિક ઉકાળો - જડીબુટ્ટીઓથી નિર્મિત ઉકાળો

આયુર્વેદમાં દરેક બિમારીને જળમૂળમાંથી દુર કરવાની ક્ષમતા રાખે છે. હજારો વર્ષોના ભારતીય ઋષિ મુનીઓનાં જ્ઞાનનો ઉપયોગ કરી પ્રકૃતિમાંથી મળતી જ ઔષધીઓનો ઉપયોગ કરી આયુર્વેદાચાર્ય રોગને મટાડવાનો પ્રયાસ કરતા હોય છે. હાલ કોરોના વાયરસ સામે પણ આયુર્વેદિક ઉપચાર અક્ષિર સાબિત થઇ શકે છે. ત્યારે નવસારીની આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના 3.88 લાખ લોકોને જડીબુટ્ટીઓથી નિર્મિત ઉકાળો બનાવી પીવડાવી તેમની રોગ પ્રતિકારક શક્તિને વધારવાનો પ્રયાસ કરાયો છે.

ayurvedik ukado
નવસારી જિલ્લામાં 3.88 લોકોને પિવડાવાયો આયુર્વેદિક ઉકાળો

By

Published : May 23, 2020, 10:28 AM IST

નવસારી: ભારતીય ઋષિમુનીઓ પ્રકૃતિની ગોદમાં રહીને પ્રકૃતિ સાથે જીવતા હતા, જેને કારણે પ્રકૃતિએ તેમને અનેક અલભ્ય ઔષધિઓ આપી હતી. જેનો ઉપયોગ કરી, અનેક રોગને મટાડવાની પધ્ધતિ આયુર્વેદમાં બતાવવામાં આવી છે. ખાસ કરીને આયુર્વેદ માણસની કફ, પીત્ત અને વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે અને એ ત્રીદોષમાંથી કયા દોષમાં વિકાર થયો છે, એને ધ્યાને લઇ જડીબુટ્ટી આધારિત ઉપચાર કરવામાં આવે છે.

નવસારી જિલ્લામાં 3.88 લોકોને પિવડાવાયો આયુર્વેદિક ઉકાળો

કોરોના કફ અને પીત્તનો દોષ હોવાથી થાય છે, જેથી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી બનાવેલો ઉકાળો પીવાથી કોરોનાને નાથવામાં લાભ મળે છે. જેને ધ્યાને લઇ નવસારીની આયુર્વેદિક હોસ્પિટલના વૈદો દ્વારા આયુર્વેદિક દશમૂળ કવાથ અને પંચ કવાથના મિશ્રણ સાથે ત્રીકટુ ચૂર્ણને ભેળવી ઉકાળો તૈયાર કરવામાં આવે છે. જેને 5થી 7 દિવસ માટે રોજના 30 એમએલ પીવામાં આવે તો રોગ પ્રતીકારક શક્તિમાં વધારો થાય છે.

નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 12 હજાર લીટરથી વધુ ઉકાળો બનાવી 3.88 લાખ લોકોને પીવડાવામાં આવ્યો છે. જયારે દોઢ લાખ લોકોને ઉકાળો કેવી રીતે બનાવવો એનું નિદર્શન કરી સમજાવ્યા છે. સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 20 હજાર વ્યક્તિઓને પણ વિશેષ ઉપચાર આપવામાં આવ્યો છે.

આયુર્વેદિક ઉકાળો બનાવવા માટે સાલપણી, કંઠકારી, બિલ્વ, અગ્નિમંચ, કુંભારી જેવી ઔષધીયુક્ત દશમુળ કવાથ, હરડે, બેહડાના મિશ્રણયુક્ત પંચ કવાથ અને સુંઠ, મરી અને પીપરના મિશ્રણ ત્રીકટુને ભેળવી બનાવેલો ઉકાળો કફ, શરદી અને ખાંસી તેમજ ગળામાં થતી તકલીફોમાં રાહત આપે છે. જેથી કફ, પીત્તની પ્રકૃતિ એટલે એના દોષો પર જ વાર કરી આયુર્વેદ કોરોના સામેની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

નવસારીમાં અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓએ આયુર્વેદિક ઉકાળો બનાવી શહેરના વોર્ડ તેમજ ગામડાઓના લોકોને પીવડાવ્યો છે. જેમાં ગામડાઓમાં આવેલા આયુર્વેદિક દવાખાનાના વૈદો દ્વારા પણ સ્થાનિક ઔષધીઓથી ઉકાળો બનાવી લોકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે. જયારે ઘણા લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરે જ ઉકાળો બનાવતા થયા છે, ત્યારે ઉકાળાને પીવાથી શરીરની પ્રકૃતિમાં ઘણો ફેર પડતો હવાના ફાયદા પણ પીનારા ગણાવી રહ્યા છે.

કોરોના વાયરસને નાથવાની દવા હજી સુધી વિશ્વ શોધી નથી શક્યું, ત્યારે ભારતમાં ઋષિમુનીઓ દ્વારા હજારો વર્ષોની તપશ્ચર્યા સાથે વિકસાવેલી આયુર્વેદિક પધ્ધતિથી કોરોનાને શરીરમાં પ્રવેશતો જ અટકાવવા માટે આયુર્વેદના નિષ્ણાતો પ્રયાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details