દક્ષિણ ભારતમાં જોવા મળતા અલભ્ય એશિયાટિક જંગલી શ્વાન વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા
વાઘ અને સિંહનો પણ એકતા રાખીને શિકાર કરવામાં માહિર એવા અલભ્ય એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) દક્ષિણ ભારત બાદ નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળવાની ઐતિહાસિક ઘટના સામે આવી છે. નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી જંગલી શ્વાન (ઢોલ) ઉપર પાર્કમાં ગોઠવેલા સીસીટીવી કેમેરાઓની મદદથી નજર રાખવામાં આવી રહી છે, સાથે જ તેમની આદતો અને નિવાસની ગતિ વિધીઓનું નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યુ છે.
નવસારી : વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ અગાઉ જોવા મળતા અલભ્ય અને સંરક્ષિત પ્રાણીઓમાં સમાવિષ્ટ એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) જોવા મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વાંસદા નેશનલ પાર્કમાં સામાન્ય રીતે હરણ અને દિપડાઓ છે, પરંતુ મૃત પ્રાય: સ્થિતિમાં પહોંચેલું અને વાંસદા નેશનલ પાર્કમાંથી પણ નામશેષ થઇ ગયેલા એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) દેખાતા જ વન વિભાગે સતર્ક થઇ CCTV કેમેરાઓને આધારે નિરિક્ષણ શરૂ કર્યું છે. જેમાં ઢોલ પાર્કના ગાઢ જંગલ વિસ્તાર જ્યાં લોકોની આવન જાવન નહિ , એવા ભાવાડી, કેવડી વિસ્તારમાં જોવા મળ્યા છે. જેથી વન વિભાગે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ વધાર્યા છે, અને એમાં જંગલમાં બનાવેલી તલાવડીમાં ઢોલ રોજ પાણી પીવા આવી રહ્યા છે. જેમાં એક નર અને એક માદા છે. જેથી હાલ વન વિભાગના અધિકારીઓ દ્વારા બંને ઢોલ ઉપર નજર રાખી, તેમની રહેણાંક આદતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમનો મેટિંગ પીરીયડ ક્યારે હોય છે, અને બે સિવાય પણ વધુ જંગલી શ્વાન છે કે, તેમના બચ્ચા છે કે, કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે.