ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી - Navsari-Vijalpore Palika Executive President Ashwin Kasundra

નવસારી-વિજલપોર નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સભા વિવાદાસ્પદ રહી હતી. ખાસ કરીને પાલિકાની 16 સમિતિઓમાંથી મલાઇદાર સમિતિઓમાં પ્રમુખની વરણીને લઈને નવસારી અને વિજલપોર વચ્ચે ખેંચતાણ રહી હતી. જેમાં વિજલપોરના ફાળે ગયેલી ટીપી સમિતિના પ્રમુખ રાતોરાત બદલાઈ જતા શહેરના પાંચ વોર્ડના 20 કોર્પોરેટરો વર્ચ્યુઅલ સામાન્ય સભામાંથી લેફ્ટ થયા હતા. સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી વિરોધ પણ નોંધાવ્યો હતો.

નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી
નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી

By

Published : Jun 1, 2021, 1:02 PM IST

  • નવસારી અને વિજલપોર બંનેને મુખ્ય સમિતિના પ્રમુખો આપી પાલિકાએ કર્યુ બેલેન્સ
  • પાલિકાની કુલ 16 સમિતિઓના પ્રમુખોની થઈ વરણી
  • વરણીમાં ટીપી સમિતિના પ્રમુખ બદલાતા જલાલપોર વિધાનસભામાં આવતા 20 કોર્પોરેટરોએ નોંધાવ્યો વિરોધ
  • સામાન્ય સભાના એજન્ડાના 56 કામોમાંથી 44 કામો થયા મંજૂર

નવસારીઃનગરપાલિકાનું હદ વિસ્તરણ કરી વિજલપોર નગરપાલિકા સહિત આસપાસના 8 ગામડાઓનો સમાવેશ કરાયો છે. જેમાં પણ પાલિકાની ચુંટણી બાદ નવસારી અને વિજલપોર ભાજપમાં પાલિકાના મુદ્દાઓને લઇ ખેંચતાણ રહી છે. જેમાં પાલિકાના પ્રમુખ નવસારીના અને ઉપપ્રમુખ વિજલપોરના રહ્યા છે. દરમિયાન કોરોનાકાળને કારણે મહિનાથી અટવાયેલી સામાન્ય સભા સોમવારે ઓનલાઇન યોજાઇ હતી.

આ પણ વાંચોઃરાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અર્જુન ખાટરિયાની વરણી

16 સમિતિઓના પ્રમુખોની વરણી કરવામાં આવી

પાલિકાની પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સામાન્ય સભામાં પાલિકાની વિવિધ 16 સમિતિઓના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. પાલિકાના સી.ઓ. દશરથસિંહ ગોહિલની ચેમ્બરમાંથી વર્ચ્યુઅલ સભાનું સંચાલન થયું હતુ.

એજન્ડાના 56 કામોમાંથી 44 કામો પર મંજૂરીની મહોર લગાવાઈ

પાલિકા પ્રમુખ જીગીશ શાહે સભા શરૂ કરી, પાલિકાની વિવિધ 16 સમિતિઓના સભ્યો અને તેની સાથે સમિતિ પ્રમુખોની નિયુક્તિની જાહેરાત કરી હતી. જ્યારે એજન્ડાના 56 કામોમાંથી 44 કામો પર મંજૂરીની મહોર લગાવાઈ હતી. જેમાં ખાસ કરીને પ્રિમોન્સુન કામગીરી, રસ્તા અને પ્રમુખના હુકમથી કરાયેલા કામોને બહાલી અપાઇ હતી.

નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી

પ્રમુખ પદે નવસારીના ચિરાગ લાલવાણીને અપાતા વિજલપોરના કોર્પોરેટરો આશ્ચર્યમાં પડ્યા

નવસારી-વિજલપોર પાલિકાની વર્ચ્યુઅલ સામાન્ય સભામાં થયેલી જાહેરાતમાં કારોબારી સમિતિના પ્રમુખ પદે નવસારી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિના પ્રમુખ પદે વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદીની વરણી થઈ હતી. પરંતુ વિજલપોરના ફાળે રહેલી ટીપી સમિતિમાં અચાનક ફેરફાર કરી પ્રમુખ પદે નવસારીના ચિરાગ લાલવાણીને અપાતા વિજલપોરના કોર્પોરેટરો આશ્ચર્યમાં પડ્યા હતા.

ઓનલાઈન ચાલતી સામાન્ય સભા 20 કોર્પોરેટરો છોડી નોંધાવ્યો વિરોધ

ઓનલાઇન ચાલતી સભા દરમિયાન જ જલાલપોર વિધાનસભામાં આવતા નવસારી વિજલપોર શહેરના પાંચ વોર્ડના 20 કોર્પોરેટરોએ વિરોધ નોંધાવી, ઓનલાઈન સભામાંથી લેફ્ટ થઈ ગયા હતા. જો કે, સમગ્ર મુદ્દે પાલિકા પ્રમુખ જીગીશ શાહે ટેકનીકલ ખામીના કારણે સભા અટકી હોવાનું અને એકપણ કોર્પોરેટર લેફ્ટ ન થયો હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે, ઓનલાઇન સભા છોડ્યા બાદ વિજલપોરના કોર્પોરેટરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સામે વિરોધ દર્શાવ્યો હતો.

નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી

વિજલપોરના કોર્પોરેટરોએ મળેલા સમિતિ પ્રમુખ પદ પરથી સ્વૈચ્છિક રાજીનામા ધર્યા હોવાની ચર્ચા

નવસારી વિજલપોર નગરપાલિકાની વિવિધ સમિતિની રચના અને તેના પ્રમુખોની વરણીને લઈ યોજાયેલી ઓનલાઇન સામાન્ય સભામાં ટીપી સમિતિના પ્રમુખ બદલાતા થયેલા હોબાળા બાદ જલાલપોર વિધાનસભામાં આવતા નવસારી શહેરના વોર્ડ નંબર 1, 8, 9, 10 અને 11 ના કુલ 20 કોર્પોરેટરોએ અજ્ઞાત સ્થળે બેઠક કર્યા બાદ સમિતિના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા ચાલી હતી.

નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી

20 કોર્પોરેટરો રાત્રે ફરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા

20 કોર્પોરેટરો રાત્રે ફરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તથા પાલિકા પ્રમુખ જીગીશ શાહ સાથે બેઠક કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમને સમગ્ર મુદ્દે પ્રદેશમાંથી માર્ગદર્શન લીધા બાદ પ્રદેશના આદેશ અનુસાર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી જિલ્લા ભાજપ પ્રમુખે મામલો થાળે પાડયો હતો.

જલાલપોર અને નવસારીના ધારાસભ્યોની લડાઈમાં પાલિકાના કોર્પોરેટર અટવાયા

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ વચ્ચે મતભેદ હોવાના ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ જાહેર કાર્યક્રમમાં જણાવી ચૂક્યા છે. જો કે, જેતે સમયે જલાલપોરના ધારાસભ્ય પટેલે મતભેદ ન હોવાનું કહ્યું હતુ. પરંતુ સોમવારે યોજાયેલી નવસારી વિજલપોર નગરપાલિકાની વર્ચ્યુઅલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનિંગ સમિતિનું પ્રમુખ પદ વિજલપોરના કોર્પોરેટર નરેશ પુરોહિતને આપવાના બદલે, એમાં ફેરફાર કરી નવસારીના ચિરાગ લાલવાણીને અપાતા વિવાદ સર્જાયો હતો.

સંયુક્ત સંકલન સમિતિમાં સર્વાનુમતે સમિતિઓના પ્રમુખોની ફાળવણી થઈ

સમગ્ર મુદ્દે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગત રવિવારે જિલ્લા અને શહેર ભાજપની મળેલી સંયુક્ત સંકલન સમિતિમાં સર્વાનુમતે સમિતિઓના પ્રમુખોની ફાળવણી થઈ ગઈ હતી અને સોમવારે બપોરે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ એની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ગણતરીના કલાકોમાં મહત્વની કહી શકાય એવું ટાઉન પ્લાનીંગ સમિતિનું પ્રમુખ પદ, નવસારી પાલિકામાં 20 વર્ષોથી શાસન કરનારા અને ભાજપના પીઢ કાર્યકર પ્રેમચંદ લાલવાણીના ભત્રીજા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર ચિરાગ લાલવાણીને અપાતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃવેરાવળ મર્કન્‍ટાઇ બેન્કની ચૂંટણીમાં 18માંથી 15 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી

ધારાસભ્ય આર.સી પટેલ અને ભાજપ સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ફેરફાર કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી

જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલ અને વિજલપોર ભાજપ સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ફેરફાર કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેથી આડકતરી રીતે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ વચ્ચેનો ગજગ્રાહ સપાટીએ આવ્યો હોવાનો ગણગણાટ શહેરના ભાજપી આગેવાનોમાં ચર્ચામાં રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details