નવસારી: તાલુકાના દક્ષિણ પટ્ટાના એક ગામની 18 વર્ષીય યુવતી ગામની સીમમાં બકરા ચરાવવા જતી હતી, જ્યાં પડોશમાં રહેતો ભીખુ હળપતિ પણ ઢોર ચરાવવા આવતો હતો. ભીખુ પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતી તેને વશ ન થતાં 7 મહિના અગાઉ બકરા ચરાવવા આવેલી યુવતીને આંતરી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારા નરાધમની ધરપકડ - નવસારીના તાજા સમાચાર
નવસારીના એક ગામમાં બકરા ચરાવવા આવેલી 18 વર્ષીય યુવતી સાથે પરિણીત યુવાને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સરકારી દવાખાનામાં તપાસ કરાવવા જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે દવાખાના દ્વારા વિજલપોર પોલીસને જાણ કરાતાં પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી આરોપી નરાધમની ધરપકડ કરી હતી.
દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ નરાધમ આરોપીએ અનેક વખત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતીને પેટમાં દુ:ખાવો ઉપાડ્યો હતો. જેથી તેની માતા સાથે નજીકના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ગઇ હતી. જ્યાં સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. જેથી દવાખાના દ્વારા વિજલપોર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે નરાધમ યુવાનને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.