નવસારી:સરકારી આંકડા પ્રમાણે ભારતમાં દર 3 મિનિટે રોડ અકસ્માતમાં એકનું મોત થાય છે. રોડ પર થતા અકસ્માતમાં મોટા ભાગે ગાડી ચલાવતી વખતે ડ્રાયવરને આવતું ઊંઘનું ઝોકું જવાબદાર છે. આ સમસ્યાના ઉકેલના ભાગરૂપે નવસારી જિલ્લાના ખારેલ ગામમાં આવેલી પુષ્પાબેન આર દેસાઈ પ્રાથમિક શાળામાં ખારેલ હાઇસ્કુલના સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓએ સમાજને મદદરૂપ થાય તે હેતુસર લાંબી મુસાફરી કરતા વાહન ચાલકો માટે આશીર્વાદ રૂપ ચશ્મા તૈયાર કર્યા છે. આ ચશ્મા વાહન ચાલકને ઊંઘનું ઝોકું આવવાથી થતા અકસ્માતો ટાળવામાં મદદરૂપ સાબિત થશે...
આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે અને 3000 રૂપિયાની લાગતથી આ સમગ્ર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયો છે.
'અમને વિજ્ઞાનના વિષયમાં ઘણી રુચી હોય તેથી અવારનવાર આવા પ્રોજેક્ટ પર કામ કરતા હોય છે. અમારી શાળાની બાજુમાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે જેમાં હાઇ-વે ઉપર લાંબી મુસાફરી કરતા વાહનચાલકોને ઊંઘના ઝોકાંને કારણે અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે. અમે આ અકસ્માતો નિવારી શકાય તેવા પ્રયાસોના ભાગરૂપે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વાહનચાલકોને આ ચશ્મા પહેર્યા બાદ જો ઊંઘનું ઝોકું આવે અને ડ્રાઇવરની આંખ બંધ થાય તો ચશ્મામાં લાગેલા સેન્સર દ્વારા બઝર વાગશે જેથી ડ્રાઇવર એલર્ટ થઈ જાગી જશે અને અકસ્માત થતાં અટકાવી શકશે.' -ચશ્માં બનાવનાર વિદ્યાર્થીનીઓ
આ પ્રોજેક્ટમાં એક સર્કિટ લેવામાં આવી છે તેમાં IC-555 નું જોડાણ કરવામાં આવ્યું છે ત્યારબાદ 25 વોલ્ટનું કેપેસીટરને આઈસીના પોઝિટિવ પોઇન્ટ અને નેગેટીવ પોઈન્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. બઝર લઈ તેનું પણ આઈસી સાથે જોડાણ કરવામાં આવ્યું છે. એક સેન્સર લઈ તેને ચશ્મા સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને સાથે બે સ્વીચ લઈ તેનું ચાર વોલ્ટની બેટરી સાથે જોડાણ આપવામાં આવ્યું છે. ડીસી મોટર લઈ તેની સાથે એક પૈડાનું જોડાણ કરી મોટર અને બેટરી સાથે તેને જોડવામાં આવ્યું છે. વાહન ચાલક જ્યારે વાહન ચલાવતી વખતે તેની આંખ પાંચ સેકન્ડથી વધુ સમય માટે બંધ કરે છે અથવા તો તે સુવાનો પ્રયાસ કરે છે ત્યારે સર્કિટમાં લાગેલા ટાઇમર સેન્સર આંખોનું એનાલિસિસ કરે છે અને એક એલાર્મ ચાલુ કરે છે. જો ડ્રાઇવર એલાર્મને અવગણશે તો સિસ્ટમમાંથી બઝરનો અવાજ ઉત્પન્ન થશે જેના અવાજથી ડ્રાઇવરની આંખ ખુલી જશે. આમ મોટા વાહનોમાં પણ આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકાય છે.' -ચશ્માં બનાવનાર વિદ્યાર્થીનીઓ
'મારી શાળામાં વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટનું અવારનવાર આયોજન કરવામાં આવે છે જેમાં અમારી શાળામાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા વાહન ચાલકો માટે ઊંઘના ઝોકાના કારણે અકસ્માત ન થાય તે હેતુસર ખાસ પ્રકારના ચશ્મા બનાવવામાં આવ્યા છે. જે થોડા દિવસ પહેલા યોજાયેલા સાયન્સ ફેરમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીના એન્જિનિયર ઓ દ્વારા પણ આ પ્રોજેક્ટની ખૂબ સરાહના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ રીતે ઈનામ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.' -કેતકી દેસાઈ, શાળાના આચાર્ય