- જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર પૂરૂ પાડવાના પ્રયાસો
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ઉપજ સીધી શહેરીજનોને વેચી શકશે
- ઓર્ગેનિક ખેત પેદાશોના વેચાણ અર્થે નવસારી કોર્ટ પરિસરમાં સ્ટોલ ઉભા કરાયા
નવસારી : કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુજરાતના રાજ્યપાલે પણ બીડું ઝડપ્યું છે. ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્યપ્રદ ખેત પેદાશો પકવે એ દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ઉપજને બજાર મળી રહે એ હેતુથી આત્મા પ્રોજેક્ટ દ્વારા અઠવાડિક અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
અમૃત આહાર મહોત્સવનું આયોજન કોરોના કાળમાં ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતૂ બન્યો આત્મા પ્રોજેક્ટ
મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હશે, તો કોરોના વાયરસને મજબૂતીથી હરાવી શકશે. જેને માટે લોકો ખોરાક ઉપર વધુ ધ્યાન આપતા થયા છે. પરિણમે પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેત પેદાશોની માંગ વધી છે. ત્યારે નવસારીજનોને ઓર્ગેનિક શાકભાજી, ડાંગર, કઠોળ સહિતની ચીજ-વસ્તુઓ મળી રહે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ યોગ્ય ભાવ સાથે બજાર મળી રહે એવા પ્રયાસો આત્મા પ્રોજેક્ટ દ્વારા કરાયા છે.
પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અર્થે અમૃત આહાર મહોત્સવ યોજાયો રાજ્યમાં ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વાળી, તેમની આવક બમણી કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. નવસારી જિલ્લામાં પણ ગાય આધારિત સહિત અન્ય પદ્ધતિથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી, સાથે જ ખેત પેદાશોની બાય પ્રોડક્ટ પણ બનાવતા થયા છે. જેથી આત્મા દ્વારા નવસારી જિલ્લા કોર્ટ પરિસરમાં બે સ્ટોલ ઉભા કરી અઠવાડિક અમૃત આહાર મહોત્સવમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચી શકશે. તમને જણાવી દઇએ કે, રાસાયણિક ખાતર કરતા પ્રાકૃતિક ખેતીથી પકવેલી ખેત પેદાશો આરોગ્યવર્ધક હોય છે, જેથી કોરોના કાળમાં આર્ગેનિક પાકોની બોલબાલા વધી છે.