નવસારી : આજે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ, મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ચીખલી-વલસાડ હાઈવે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર આ અંગેની માહિતી આપતા નવસારી કલેકટરે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનું સ્તર ઘટતાં જ તેને ફરીથી ખોલવામાં આવશે. લોકોને આ રોડ પર મુસાફરી કરવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. પૂર્ણાની સાથે અંબિકા નદીનું જળસ્તર પણ ભયજનક સપાટીથી ઉપર ગયું છે અને સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો :Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે :ત્રણ દિવસ પહેલા નવસારીમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પુના નદીના પાણી ફરી એકવાર શહેરમાં છલકાયા હતા. જે બાદ ગત રાત્રિથી ફરી વરસાદ શરૂ થતા નવસારીમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશના જણાવ્યા અનુસાર, મહુઆ તાલુકા અને ઉપરના વિસ્તારોમાં પાણીની આવક ઘણી વધારે છે. જેના કારણે પૂર્ણા નદીની જળ સપાટી 26.5 ફૂટ વધી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં જવા માટે કહેવામાં આવ્યું છે અને જેઓ આશ્રયસ્થાનોમાં છે તેમને પણ ઘરે ન જવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે કાવેરી નદીનું જળ સ્તર સવારે 4 વાગ્યે 20 ફૂટ સુધી પહોંચી ગયું છે.