ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણદેવીના ખેરગામમાં વિચિત્ર ઘટના, એક સાથે દીપડો-દીપડી પાંજરે પુરાયા - Ganadevi taluka sanctuary of pangolins

નવસારીઃ જિલ્લાનો ગણદેવી તાલુકો દીપડાઓનું અભ્યારણ્ય હોય એવી સ્થિતિ રહી છે. ખેરગામે દીપડાને પકડવા માટે મુકવામાં આવેલા પાંજરામાં પ્રેમી પંખીડાની જેમ દીપડા અને દીપડીનું જોડુ એક સાથે પુરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

અહો આશ્ચર્યમ !! ગણદેવીના ખેરગામ ગામે ઐતિહાસિક ઘટના, એક સાથે દીપડો-દીપડી પાંજરે પુરાયા
અહો આશ્ચર્યમ !! ગણદેવીના ખેરગામ ગામે ઐતિહાસિક ઘટના, એક સાથે દીપડો-દીપડી પાંજરે પુરાયા

By

Published : Apr 26, 2020, 12:01 AM IST

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી શરૂ થતા જ દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય હોય છે, જેમાં પણ નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો દીપડાઓનું અભ્યારણ્ય હોય એવી સ્થિતિ રહી છે, જેમાં શનિવારે ગણદેવીના ખેરગામે દીપડાને પકડવા માટે મુકવામાં આવેલા પાંજરામાં પ્રેમી-પંખીડાની જેમ દીપડા અને દીપડીનું જોડુ એક સાથે પુરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતું.

અહો આશ્ચર્યમ !! ગણદેવીના ખેરગામ ગામે ઐતિહાસિક ઘટના, એક સાથે દીપડો-દીપડી પાંજરે પુરાયા

પાંજરે દીપડો-દીપડી એક સાથે પકડાયાની વાત ગામમાં પ્રસરતા ગ્રામજનો દીપડા દંપતીને જોવા ઉમટી પડ્યા હતા. સાથે જ પ્રાણીઓ પણ પ્રેમને વશ એકબીજાના જીવને પણ જોખમમાં મુકતા ખચકાતા ન હોવાની વાતો પણ વહેતી થઇ હતી. દક્ષિણ ગુજરાતનાં વાડી પ્રદેશો અને ખાસ કરીને ડાંગર અને શેરડીના મુખ્ય પાકો લેવામાં આવે છે. જેમાં જંગલી પ્રાણીઓની આવન-જાવન પણ ખેડૂતોને ભયભીત કરતી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નદી કોતરોમાં પાણી અને ખોરાક મળી રહેતા દીપડાઓ વસવાટ કરતા થયા છે.

વાડીમાં ગોઠવેલા પીંજરામાં શનિવારે વહેલી સવારે દહાડ-ગર્જના અને ઘુરકિયા સાંભળી વાડીની રખેવાળી કરનારાઓ ટોર્ચ લઈને પાંજરા પાસે પહોંચ્યા હતા. જેઓ પાંજરાને જોતા જ ચોંકી ઉઠ્યા હતા, કારણ પિંજરામાં એક નહિ પણ બબ્બે દીપડાઓ હતા અને તેઓ પિંજરામાંથી બહાર નીકળવા ઉત્પાત મચાવી રહ્યા હતા. જોકે દીપડાઓને પાંજરે પુરવા પાંજરામાં મારણ તરીકે રાખેલો દેશી મરઘો બચી ગયો હતો. ઘટનાને લઇ રખેવાળોએ તાત્કાલિક વાડીના માલિક સંજય નાયકને ઘટનાની જાણ કરી હતી.

બાદમાં તેમણે ગણદેવી વન વિભાગને સૂચિત કરતા અધિકારી નરેશ પટેલ, RFO જે. બી. ટેલર, ચંપક હળપતિની ટીમ તથા વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના હીમાલ મહેતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાંજરે દીપડા-દીપડી પુરાયાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો વાડીએ દોડી આવ્યા હતા. સાથે જ પશુઓ પણ એક-બીજાના પ્રેમમાં વિકટ પરિસ્થિતિમાં પણ સાથ છોડતા ન હોવાની વાતો પણ ચર્ચાઇ હતી. સાથે જ દીપડા-દીપડી માટે લેલા-મજનુ, હીર રાંજા જેવા વિશેષણો પણ વહેતા થયા હતા.

વન વિભાગે પાંજરે પુરાયેલા પ્રેમી પંખીડા દીપડા-દીપડીને ત્રણ કિમી દૂર આવેલા એંધલ ગામના વન ડેપો પર લઇ જવામાં આવ્યા હતા. સાથે જ નવસારી જિલ્લાના પ્રભારી DFO પુનીત નય્યરને ગણદેવીના ખેરગામમાં એક જ પાંજરામાં દીપડા-દીપડીને દેશી મરઘાએ પુરાવ્યા હોવાની ઐતિહાસિક ઘટનાની જાણ કરી હતી.

જયારે ડેપો પર દીપડા-દીપડીનું મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેમને ડાંગના જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાશે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં એકસાથે દીપડા-દીપડી પાંજરે પુરાવાની અલોકિક અને ઐતિહાસિક ઘટના પ્રથમ વાર જ નોંધાઈ હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. જેમાં દેશી મરઘો વન વિભાગ માટે શુકનવંતો સાબિત થયો હતો.

ABOUT THE AUTHOR

...view details