નવસારી: દમણિયો દારૂ ગુજરાતની હદમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયાસો કરતા હોય છે. કારણકે આ દારૂ થકી તેઓને ધૂમ કમાણી થતી હોય છે. જેને લઈને બુટલેગરો અવારનવાર પોતાનું શેતાની દિમાગ વાપરી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. પોલીસ પણ આવા તત્વોને ડામવા નેશનલ હાઇવે ઉપર પોલીસ નાકાબંધી ગોઠવી આવા તત્વોને દારૂના માલ સહિત ઝડપી લેતી હોય છે. જેને લઈને બુટલેગરોનું મોટું નુકસાન થતું હોય છે. જેથી પોતાનું નુકસાન અટકાવવા ભેજાબાજ બુટલેગરો હાઇવે પરથી માલ પસાર કરવાને બદલે મોંઘીદાટ ગાડીઓમાં દારૂનો માલ ભરી ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા હોય છે. પોલીસથી બચવા માટે તેઓ પૂરપાટે પોતાની કાર હંકારતા હોય છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના નાના રસ્તાઓ પર આવા શખ્સો અકસ્માત પણ સર્જતા હોય છે.
સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો:ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી અકસ્માતનો આવો બનાવ સામે આવ્યો છે. જેમાં હરેશભાઈ હળપતિ પોતાની ઇકો કારગાડીમાં જોગવડ ગામથી ટાંકલ ગામ ખાતે ઘરવખરીનો સામાન લેવા માટે જતા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારના ચાલક જયદીપ સુમનભાઈ પટેલ નાઓ ગફલત ભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઇને અકસ્માત સર્જાયો હતો પરંતુ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. જ્યારે અકસ્માત કરનાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.