નવસારી:નવસારીજિલ્લાનો ચીખલી અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે, આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો ઘણી વખત કેમેરામાં કેદ થતા આવ્યાં છે, હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોવાના કારણે દીપડા જેવા હિંસક પ્રાણીઓ નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારો વાસદા અને ચીખલી જેવા વિસ્તારો તેઓને માફક આવી રહ્યા છે. કારણ કે, અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે, જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમજ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતા મોટી સંખ્યામાં દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો-સામનો પણ થઈ જતો હોય છે. તેથી દીપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી ચઢતા હોય છે અને પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે.
પશુપાલકની સામે જ કર્યો શિકાર: નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં કરાડી ગામથી પણ દીપડાની શિકારની ઘટના સામે આવી છે. જેમાં કરાડી ગામના ગોરસીયા ફળિયામાં રહેતા પશુપાલક રામભાઈ હળપતિ પોતાના નિત્યક્રમ પ્રમાણે 10:00 વાગ્યાની આસપાસ ગામના સીમાડે બકરા ચરાવવા માટે ગયા હતા બપોરના 12:00 વાગ્યાની આસપાસ રામભાઈ હળપતિ વૃક્ષના છાયડે જમવા બેઠા હતા, તે દરમિયાન અચાનક કદાવર દીપડો નજીકની જાળીઓ માંથી કૂદીને ચારો ચરતી બકરીઓ ઉપર ત્રાટક્યો અને તેમની નજર સામે જ દીપડાએ શિકાર કર્યો હતો. દીપડાએ બકરીનું મારણ કરી જાડી જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો.