- નશાની હાલતમાં આવેલા અશ્વેતે મેહુલની હત્યા કરી
- મેહુલની હત્યાને લઈને ગણદેવીમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત
- અમેરિકાના જ્યોર્જીયામાં શનિવારે કરાશે અંતિમ સંસ્કાર
નવસારી: અમેરિકાના જ્યોર્જીયામાં રહેતા અને મૂળ નવસારીના ગણદેવીના રહેવાસી મેહુલ વશીની એટલાન્ટાની રેડ બ્લુફીન મોટેલમાં ફરજ દરમિયાન ડ્રગના ઓવરડોઝમાં આવેલા અશ્વેતે ગળું દબાવી હત્યા કરી હતી. ઘટનાની જાણ ગણદેવી સ્થિત તેના પરિવારજનોને થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હત્યા બાદ સ્થાનિક ભારતીયોમાં અને નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
નવસારીના ગણદેવી ખાતે પટેલ સ્ટ્રીટના મૂળ રહેવાસી મેહુલ રવિન્દ્રભાઈ વશી (ઉ.વ. 52) અમેરિકાના જ્યોર્જીયા સ્થિત ઓગસ્ટા ઇવાન્સમાં 9 વર્ષથી સ્થાયી થયા હતા. જેઓ અમેરિકાના એટલાન્ટાની રેડ બ્લુફીન મોટેલમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા હતા. જ્યારે તેમની પત્ની અને બે દીકરીઓ જ્યોર્જીયામાં રહેતા હતા. એટલાન્ટાના એરપોર્ટ નજીકની મેહુલની મોટેલમાં હાલ રિનોવેશન ચાલી રહ્યું છે. જેથી ફક્ત 5 રૂમ જ કાર્યરત છે. બે દિવસ અગાઉ રાત્રિના સમયે એક અશ્વેત ડ્રગ્સના ઓવરડોઝમાં આવ્યો હતો અને નશાની હાલતમાં મેહુલ સાથે કોઈક વાતે માથાકૂટ થતા મારામારી કરી હતી. આવેશમાં આવેલા અશ્વેતે મેહુલનું ગળુ દબાવી હત્યા કરી હતી. દરમિયાન મેહુલની સાથે કામ કરતા વ્યક્તિએ મેહુલની હત્યા થઈ હોવાનું જણાવતા કર્મચારી ડઘાઈ ગયો હતો. સમગ્ર મુદ્દે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતક મેહુલ વશીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.