- વાંસદામાં 4 ઇંચ, ખેરગામમાં 3 ઇંચ અને ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ
- વાંસદાના 13, ચીખલી અને ગણદેવીના 6-6 ગામોને કરાયા એલર્ટ
- જિલ્લાની નદીઓમાં પાણીની આવક વધતા બંને કાંઠે
- વાંસદાનો કેલિયા ડેમ પણ 90 ટકા ભરાયો
નવસારી: સપ્ટેમ્બરના મધ્યમાં નવસારીમાં વરસાદ જામ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદ રહ્યો છે. જેમાં પણ બે દિવસોથી ભારે વરસાદને કારણે જિલ્લો પાણી-પાણી થયો છે. જિલ્લામાં મંગળવારે સવારે 6 વાગ્યે વીતેલા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વાંસદા તાલુકામાં 103 મિમી એટલે 4.29 ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેરગામ તાલુકામાં 87 મિમી (3.62 ઇંચ) અને ચીખલી તાલુકામાં 34 મિમી (1.41 ઇંચ) વરસાદ, જ્યારે જિલ્લાના ગણદેવીમાં 11 mm, નવસારીમાં 9 mm અને જલાલપોર તાલુકામાં 4 mm વરસાદ નોંધાયો હતો. સાથે જ ઉપરવાસના ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે. જેમાં ઔરંગા નદીમાં હજી પણ પાણી ન ઉતરતા ખેરગામ અને વલસાડના ગામોને જોડતા ત્રણ લો લેવલ પુલ, કોઝવે પાણીમાં ગરકાવ રહેતા આજે પણ 30 થી વધુ ગામડાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભારે વરસાદને પગલે નવસારીનો જૂજ ડેમ થયો ઓવરફ્લો જૂજ ડેમની સપાટી 168 મીટર નોંધાઈ
નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગત મોડી રાત્રે ઓવરફ્લો થયો હતો. ડેમમાં પાણી 167.50 મીટરની સપાટી વટાવે એટલે ડેમ ઓવરફ્લો થાય છે. જેથી હાલ ડેમમાં પાણીનું સ્તર 168 મીટરે પહોંચતા ડેમ 0.50 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતા નીચે કેચમેન્ટ વિસ્તારમાં આવતા વાંસદા તાલુકાના 13, ચીખલી તાલુકાના 6 ને ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાંસદમાં આવેલો કેલીયા ડેમ પણ છલકાવાની તૈયારી કરી રહ્યો છે. કેલીયા ડેમ હાલ 113.10 મીટરે પહોંચ્યો છે. જે ઓવરફ્લો થવાથી ફક્ત 0.30 મીટર જ બાકી રહ્યો છે. જોકે કેલીયા ડેમના નીચેના ગામોને હજી કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી.
ભારે વરસાદને પગલે નવસારીનો જૂજ ડેમ થયો ઓવરફ્લો અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થતાં ધમડાછાનોબળો લેવલ પુલ બંધ કરાયો
નવસારી અને ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની આવક વધી છે. ખાસ કરીને ડાંગના સાપુતારામાં ગત 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેની અસર નવસારીની અંબિકા નદીમાં જોવા મળી છે. નદી બંને કાંઠે થતા 4 કલાકમાં જ નદીના જળ સ્તરમાં 14.99 ફુટનો વધારો થતાં અંબિકા ભયજનક સપાટીથી એક ફુટ નીચે વહી રહી છે. જેથી અંબિકામાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા ગણદેવી અને અમલસાડ વચ્ચેના લો લેવલ ધમડાછા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે નવસારીનો જૂજ ડેમ થયો ઓવરફ્લો