- નવસારી સામાજિક વન વિભાગે બાતમીને આધારે કરી કાર્યવાહી
- શિડ્યુલ 4 માં આવતા પોપટનો વનવિભાગે કબ્જો લીધો
- પકડાયેલા તમામ આરોપીઓને 2 હજાર રૂપિયાનો દંડ
નવસારી : પ્રાણી કે, પક્ષી પાળવાનો શોખ પણ ક્યારેક ભારે પડી શકે છે. નવસારીના ઘેલખડી વિસ્તારમાં પોપટને શોખ ખાતર પોતાના ઘરે પાંજરે પુરનારા 7 લોકો સામે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગે 12 પોપટ કબ્જે લઇ, 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
નવસારીના ઘેલખડી વિસ્તારમાથી 12 પોપટ પાળનારા 7 આરોપીની ધરપકડ ઘેલખડીમાં શોખ ખાતર પોપટ પાળનારા 7 આરોપીની ધરપકડ
નવસારી સામાજિક વનીકરણ વિભાગને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં કેટલાક લોકોએ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત અને શિડ્યુલ 4 માં આવતા ભારતીય પોપટને પાંજરામાં કેદ કરીને રાખ્યા છે. જેને આધારે શનિવારે નવસારીની સુપા રેન્જના આરએફઓ અને તેમની ટીમ દ્વારા બાતમીવાળા ઘરોએ છાપો માર્યો હતો. જ્યાં ઘેલખડીની અલગ-અલગ 7 સોસાયટીઓમાં રહેતા અબ્દુલગની શેખ, છીકા ચૌધરી, જગદીશ પંડ્યા, જીતેન્દ્ર ભગત, કિરણ મિસ્ત્રી, નિમેષ નાયકા અને સીતારામ ખેરના ઘરે પાંજરામાં પુરેલા કુલ 12 પોપટ મળી આવ્યા હતા. વન વિભાગે 12 પોપટ કબ્જે લઇ, સાતેય આરોપીઓની ધરપકડ કરી, તેમની સામે કાયદાકિય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તમામ આરોપીઓને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારી જામીન પર છોડયા હતા.
વન્ય પ્રાણી કે પક્ષી પાળતા પહેલા, કાયદા હેઠળ સંરક્ષિત છે કે કેમ એની માહિતી જરૂરી
શ્વાન અને બિલાડીને પાળનારા લોકો ઘણીવાર અજાણતા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ પોતાના પાલતુ તરીકે રાખતા હોય છે. પરંતુ વન્ય જીવ સરંક્ષણ અધિનિયમ ધારા 1972 ની કલમો હેઠળ કયુ પ્રાણી કે, પક્ષી કયા શિડ્યુલમાં આવે છે, આ સાથે જ કાયદા હેઠળ સરંક્ષિત હોય, તો તેને રાખવું ગુનો બને છે, એ જાણવું જરૂરી હોય છે. નહીં તો શોખ મુશ્કેલી નોતરી શકે છે.