ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નવસારી જિલ્લાનું 65.06 ટકા પરિણામ, પ્રથમ સ્થાને રહી ખુશી - વિજ્ઞાન પ્રવાહ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રવિવારે ઓન લાઈન જાહેર થયેલા પરિણામમાં નવસારી જિલ્લાનું 65.06 ટકા પરિણામ આવ્યુ છે. જેમાં નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીની ખુશી આહીર સમગ્ર જિલ્લામાં A 1 ગ્રેડ સાથે પ્રથમ રહી છે. જ્યારે જિલ્લાની બે જ શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યુ છે.

65.06 percent result of Navsari district
નવસારી જિલ્લાનું 65.06 ટકા પરિણામ

By

Published : May 17, 2020, 8:26 PM IST

નવસારી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2020 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ રવિવારે બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર થયુ હતું. જેમાં નવસારી જિલ્લામાંથી નોંધાયેલા 4,801 વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી ન હતી. આ જાહેર થયેલા પરિણામમાં જિલ્લાના 3,122 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું 65.06 ટકા પરિણામ આવ્યું છે. જેમાં A 1 ગ્રેડમાં નવસારીની એબી સ્કૂલે ફરી બાજી મારી છે. તેમજ શાળાની ખુશી આહીર જિલ્લામાં પ્રથમ રહી છે. જયારે જિલ્લાના A 2 ગ્રેડના 97 વિદ્યાર્થીઓમાંથી 70 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે. જિલ્લામાં પ્રથમ આવેલી ખુશી આહીર ડોક્ટર બનવાનું સપનું સેવી રહી છે, અને એના માટેની તૈયારી પણ એણે અગાઉથી આરંભી દીધી છે. હાલના લોકડાઉનના સમયમાં પણ ખુશી શાળા તરફથી મળતા ઓનલાઈન માર્ગદર્શન સાથે નીટ પરિક્ષાની તૈયારી કરી રહી છે. જયારે ખુશીએ કરિયર ઓરીએન્ટેડ રહી, અભ્યાસ કરવાની સલાહ આપી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નવસારી જિલ્લાનું 65.06 ટકા પરિણામ, પ્રથમ સ્થાને રહી ખુશી
શિક્ષણમાં હવે મોટા ફેરફારો થઇ રહ્યા છે. જ્યાં સીસ્ટમમાં બદલાવ કરવાની વાતો થઇ રહી છે, ત્યાં હવે શિક્ષણ સાથે સાથે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે પણ વિદ્યાર્થીઓ સાથે શાળાઓ પણ પ્રયાસો કરી રહી છે. જેમાં બોર્ડ પરિક્ષાઓ બાદ થતી તૈયારીઓ હવે બોર્ડ પરિક્ષા પૂર્વે જ આરંભી દેવામાં આવે છે. જેથી શાળાઓ રેગ્યુલર પરિક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે પણ વિશેષ ક્લાસ અને ફેકલ્ટી રાખતી થઇ છે, જયારે વિદ્યાથીઓને જેઈઈ, નીટ, જેઈઈ એડવાન્સ, આઈઆઈટી જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે પણ તૈયાર કરવામાં આવે છે.

નવસારી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બે શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે, જયારે 90 ટકાથી વધુ પરિણામ ધરાવતી 11 શાળાઓ છે. જો કે, અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાર પરિક્ષા કેન્દ્રોમાંથી નવસારી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 78.33 ટકા રહ્યુ છે. જયારે આદિવાસી બાહુલ્ય વાંસદા તાલુકાનું પરિણામ 46.40 ટકા આવ્યું છે.

નવસારી જિલ્લાના ચાર કેન્દ્રોનું પરિણામ

  • નવસારી 78.33 ટકા
  • બીલીમોરા 67.06 ટકા
  • ચીખલી 55.51 ટકા
  • વાંસદા 46.40 ટકા

ABOUT THE AUTHOR

...view details