નવસારીઃ કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં નવસારીમાં વસેલા પરપ્રાંતીય શ્રમિકો સહિત અન્યોને તેમના માદરે વતન મોકલવાની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના માટે વિશેષ ટ્રેન પણ શરૂ કરાઇ છે.
ચીખલી તાલુકામાંથી 504 લોકો બિહાર માટે રવાના, મદ્રેસાના તાલીમી બાળકોને પણ વતન મોકલાયાચીખલી તાલુકામાંથી 504 લોકો બિહાર માટે રવાના, મદ્રેસાના તાલીમી બાળકોને પણ વતન મોકલાયા જેમાં નવસારીથી બિહારના પટના માટે વિશેષ ટ્રેન રવાના થઇ હતી. જેમાં ચીખલી તાલુકાના 14 ગામોમાંથી 500થી વધુ શ્રમીકોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મદ્રેસામાં ઇસ્લામ પઢતા મુસ્લિમ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ચીખલી તાલુકામાંથી 504 લોકો બિહાર માટે રવાના, મદ્રેસાના તાલીમી બાળકોને પણ વતન મોકલાયા કોરાના મહામારીમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થતા શ્રમિકોની આર્થિક સ્થિતિ તંગ બની હતી. જોકે 40 દિવસના લોકડાઉન બાદ ત્રીજા ચરણમાં સરકારે આપેલી છૂટછાટમાં શ્રમિકોએ પોતાના વતન જવાની જીદ પકડતા રેલવે મંત્રાલય દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
જેમાં નવસારી જિલ્લામાં વસતા 5 હજારથી વધુ પરપ્રાંતીયો પોતાના માદરે વતન જવા તૈયાર થયા હતા. જેમની તંત્ર દ્વારા નોંધણી કર્યા બાદ રેલવેમાંથી યુપી અને બિહાર માટે વિશેષ ટ્રેનોની માંગણી કરી હતી. જેમાં અગાઉ યુપી માટે ત્રણ ટ્રેનોમાં 3500થી વધુ પરપ્રાંતીયોની ઘરવાપસી કરાઈ છે.
જયારે ગુરુવારે બિહારના પટના સુધીની વિશેષ ટ્રેન નવસારી રેલવે સ્ટેશનથી ઉપડી હતી. જેમાં ચીખલી તાલુકાના ચરી, જોગવાડ, આલીપોર, ચીખલી, દેગામ, હરણગામ, ખુંધ, મજીગામ, માણેકપોર, રેઠવાણિયા, રૂમલા, સાદડવેલ, સુરખાઈ, થાલા મળી 14 ગામોમાંથી 504 શ્રમીકોને ચીખલીના દિનકર ભવન ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની આરોગ્ય ચકાસણી કરાયા બાદ ફુડ પેકેટ તેમજ પાણીની બોટલ આપી, 17 ST બસો દ્વારા નવસારી રેલવે સ્ટેશને મોકલાયા હતા. જ્યાંથી વિશેષ ટ્રેન દ્વારા તેમને પોતાના વતન બિહાર મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચીખલી તાલુકાની કેટલીક મુસ્લિમ મદ્રેસાઓમાં ઇસ્લામની તાલીમ લેવા આવેલા કેટલાક બિહારના મુસ્લિમ બાળકો પણ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા, જેમને પણ વિશેષ ટ્રેન મારફતે તેમના માદરે વતન મોકલાયા હતા.
આ પ્રસંગે નવસારી સાંસદ સી. આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતા પટેલ સહીતના આગેવાનો અને અધિકારીઓએ વતન જઈ રહેલા તમામને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા સાથે વિદાય આપી હતી.