નવસારીઃ જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કે ઓછુ અનાજ અપાયાની ફરિયાદો ઉઠ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી અને 5 કંટ્રોલ ધારકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા તેમજ એકનો પરવાનો રદ્દ કર્યો છે. જોકે જિલ્લામાં હજુ પણ સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
નવસારીમાં સરકારી અનાજની કાળાબજારી કરનારા 5 કંટોલ સસ્પેન્ડ કોરોના મહામારીમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થયાના થોડા જ દિવસોમાં ગરીબો, શ્રમિકો તેમજ મધ્યમ વર્ગીય પરિવારોને સરકારે અનાજના ગોદામો ખોલી BPL અને APL કાર્ડ ધારકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. જેમાં પણ જે શ્રમિકો પાસે રાશન કાર્ડ ન હતા તેમને પણ અન્ન બ્રહ્મ યોજના હેઠળ મફત અનાજ આપવાનો નિર્ણય લેવાયો હતો.
જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને નિયમ અનુસાર ઘઉં, ચોખા અને ખાંડ આપવામાં આવ્યા હતા, પરંતુ જિલ્લાનાં ઘણા કંટ્રોલ ધારકોએ ટેકનીકલ બહાનુ બતાવી લાભાર્થીઓને ઓછું અનાજ આપ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ જિલ્લાના જલાલપોરની એક કંટ્રોલ ધારકે સરકારી અનાજ બારોબાર વેચી માર્યુ હતું અને કાળાબજારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા હતા. જેને કારણે જિલ્લા પુરવઠા વિભાગના નિરિક્ષકે તાત્કાલિક કંટોલોમા જઈ તપાસ કરતા ગેરરીતિ જણાઈ હતી. જેથી પુરવઠા વિભાગે નવસારી શહેર, ગ્રામ્ય, જલાલપોર અને ચીખલી તાલુકાનાં કુલ 5 કંટ્રોલ ધારકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે જલાલપોરની ઓજલ માછીવાડનાં કંટોલ ધારકનો પરવાનો જ રદ્દ કરાયો છે.
જિલ્લામાં સરકારી રાશનની દુકાનો મારફતે સરકારે 9 લાખથી વધુ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યુ છે. જોકે સરકારી રાશનની દુકાનના પરવાનેદારો જ સરકારી અનાજની બેખોફ કાળાબજારી કરતા અચકાતા નથી, પરંતુ હવે લોકો જાગૃત બની રહ્યાં છે અને તંત્રમાં ફરિયાદો અને વીડિયો વાઇરલ કરી ઉંઘતા પુરવઠા વિભાગને ઝંઝોળતા થયા છે. જેને કારણે તંત્ર પણ સફાળે જાગીને કાર્યવાહી કરવા મજબુર બન્યું હતું.
જિલ્લામાં હળપતિ સમાજના આગેવાનો દ્વારા સરકાર પ્રતિ વ્યક્તિ કેટલું અનાજ આપે છે અને પરિવારના સભ્યોને કેટલું અનાજ મળશે તેની માહિતી સાથેની યાદી બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ સાથે જ આગેવાનો સરકારી તંત્ર ફરિયાદો બાદ જાગે તેના કરતા ફરિયાદો જ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.