નવસારીઃ કોરોનાને કારણે હાલ લોકડાઉનમાં છે. જેના કારણે નવસારી જિલ્લાની બ્લડ બેન્કોમાં લોહી ખૂટી રહ્યું છે. બલ્ડ કેમ્પો બંધ થવાને કારણે બ્લડ બેન્કોમાં લોહીની જરૂરીયાત ઉભી થતા મુશ્કેલી વર્તાઈ રહી છે. જેને ધ્યાને લઇ ચીખલી પોલીસ દ્વારા પોલીસ, હોમ ગાર્ડસના જવાનો તેમજ સ્થાનિક સેવાભાવી યુવાનોના સહકારથી 38 યુનિટ રક્ત એકત્રિત કરી માનવતા મહેકાવી હતી.
નવસારીમાં સેવાભાવી યુવાનોના સહકારથી 38 યુનિટ રક્ત એકત્રિત કરાયું કોરોનાની મહામારીમાં લોકોને બચાવવા પોલીસ જવાનો રાત દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેમાં ઘણીવાર વગર કારણે બહાર નીકળતા લોકો સામે પોલીસ સખ્તાઈ પણ દાખવી રહી છે. જેને કારણે લોકો પોલીસ સામે રોષ ઠાલવતા પણ જણાય છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાનું ચુસ્તતાથી પાલન કરાવતી પોલીસ લોક સેવામાં પણ પાછળ નથી રહેતી, એનું ઉદાહરણ ચીખલી પોલીસે આપ્યુ છે.
લોકડાઉનને કારણે બ્લડ કેમ્પો બંધ થયા છે, જેને કારણે જિલ્લા સહિત ચીખલી બલ્ડ બેન્કમાં લોહીની અછત સર્જાય એવી સ્થિતિ બની છે. જે ધ્યાને આવતા જ ચીખલી પોલીસે તાત્કાલિક અસરથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કર્યુ હતુ. જેમાં ચીખલી પોલીસ મથકના પોલીસકર્મીઓ, હોમગાર્ડના જવાનો તેમજ આલીપોર ગામ તથા ચીખલીના કેટલાક યુવાનોએ રક્તદાન કર્યું હતું.
પોલીસે કેમ્પમાં 38 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું, સાથે જ આવનાર સમયમાં પણ તાલુકાના યુવાનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરાશે. ચીખલી બ્લડ બેન્ક ખાતે લોહીની અછત પૂર્ણ કરવા યોજાયેલા બલ્ડ કેમ્પની જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ મુલાકાત લઇ રક્તદાતાઓનો જુસ્સો વધાર્યો હતો, સાથે જ ચીખલી પોલીસની પહેલને બિરદાવી હતી.