- જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી
- 128 દર્દીઓએ કોરોનાને હરાવતા રજા અપાઈ
- આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 3 લોકોના મોત
- જિલ્લામાં અત્યાર સુધીમાં 3,276 લોકોએ કોરોનાને હરાવ્યો
નવસારી: જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. એક દિવસ અગાઉ દોઢસો ને પાર થયેલો કોરોના આજે 200ને પાર થયો છે. જિલ્લામાં 5 મે ના રોજ 216 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ 1,193 એક્ટિવ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ જિલ્લામાં આજે 128 લોકોએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 3 લોકોના મોત નોંધાયા છે.
આ પણ વાંચો:નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત
નવસારીમાં કુલ 4,593 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા
એપ્રિલ 2020થી નવસારીમાં કોરોનાનો પગપેસારો થયો હતો. શરૂઆતમાં પાપા પગલીએ ચાલેલો કોરોના હવે તેજ ગતિએ દોડી રહ્યો છે અને રોજના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. જેને કારણે અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 4,593 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં કુલ 3,276 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 124 દર્દીના મોત નોંધાયા છે.