નવસારી : કાળમુખા કોરોનાએ ઘણા પરિવારને પિંખી નાખ્યા છે. ત્યારે કોરોનાને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા 19 બાળકોની વ્હારે કેન્દ્ર સરકાર આવી છે. જ્યારે નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના નિરાધાર બાળકોને પીએમ કેર ફંડમાંથી (PM Care Fund) 10 લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે પોસ્ટ ખાતાની પાસબુક આપવામાં આવી હતી.
નિરાધાર બાળકોને આપવામાં આવી સહાય
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે ઘણા બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે નવસારીમાં નિરાધાર બાળકોને (Helping Destitute Children in Navsari) રાજ્ય સરકાર તરફથી બાળક 21 વર્ષના થાય ત્યાં સુધી મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવાની વ્યવસ્થા કરી છે. જેની સાથે બાળકો માટે પીએમ કેર સ્કીમ (PM Care Scheme for Children) હેઠળ જિલ્લામાં માતા-પિતા બંને ગુમાવનારા 19 બાળકોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે. જેમાં નિરાધાર બાળકો 18 વર્ષના થશે, ત્યારે તેને 10 લાખ રૂપિયા વ્યાજ સાથે મળશે. આ સહાય રાશિ પોસ્ટ વિભાગમાં જમા કરાવવામાં આવશે. જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં બાળકોને પોસ્ટ ખાતાની પાસબુક આપવામાં આવી હતી.