- જિલ્લામાં 701 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ
- આજે 80 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા
- વિરાવળ સ્મશાનગૃહમાં 14 કોરોના ઇન્ફેક્ટેડ મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા
નવસારી:કોરોનાની નવી લહેરને કારણે દિવસે-દિવસે નવસારી જિલ્લાની સ્થિતિ બગડી રહી છે. જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેની સામે હોસ્પિટલોમાં જગ્યા નથી. જેની સાથે મહત્વપૂર્ણ કહી શકાય એવો ઓક્સિજન મળવો પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે 23 એપ્રિલે નવસારી જિલ્લામાં નવા 108 લોકો કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને ટાળવા લગાવાયા 5 ટેન્ક
આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
નવસારી જિલ્લામાં 701 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ કોરોના સામેની જંગ 80 દર્દીઓએ જીતતા, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં આજે કોરોનાથી એક પણ મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું નથી. જોકે નવસારીના વિરાવળ સ્મશાનમાં 23 એપ્રિલે કરાયેલા અંતિમ સંસ્કારમાં કોરોના ઇન્ફેક્ટેડ મૃતદેહોની સંખ્યા 14 નોંધાઈ હતી.
આ પણ વાંચો:નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો
નવસારીમાં કુલ 2,890 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા
દિવસે-દિવસે નવસારી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને જોતા સરકારી અને ખાનગી હોસ્પિટલો સિવાય લોકો ઘરે રહીને પણ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં 23 એપ્રિલે નોંધાયેલા નવા 108 કોરોના સંક્રમિતો સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,890 થઈ છે. જેની સામે 2,083 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે નવસારી આરોગ્ય વિભાગના ચોપડે કુલ 106 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવો પડ્યો છે.