સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોએ યોગા કર્યા - Gujarati News
નર્મદાઃ 21 જૂન વિશ્વ યોગ દિવસે કંઈક અલગ કરવાની ગુજરાતની નેમ છે, આ વખતે નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોની ઉપસ્થિતીમાં સીએમ વિજય રૂપાણીએ યોગા કર્યા હતા અને જીવને શિવ સાથે મિલન કરતા યોગા કરીને એકતા અને અખંડિતાના દર્શન કરાવ્યા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોએ યોગા કર્યા, યોગએ જીવને શિવ સાથે જોડવાની કડીઃ સીએમ
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, વિશ્વના લોકો આજે ઓલરાઉન્ડ વેલનેસ, કમ્પ્લીટ હેપ્પીનેસ, અને ઇનકલુઝિવ હેલ્થકેર પાછળ દોડતા થયા છે ત્યારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં વિશ્વ આખાની સંપૂર્ણ સુખાકારીની કામના યોગ સાધનાના આવિષ્કારથી કરી છે. તેમણે પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ વિશ્વને આપેલી આ અમૂલ્ય ભેટ આજે તનાવમુકિત, માનસિક-શારીરિક વ્યાધિના નિવારણની સરળ રામબાણ ઇલાજ બની છે.
તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમીપે સંતો-મહંતો-ધર્મગુરૂઓની નિશ્રામાં યોગ સાધના કંઇક નવું કરવાની ગુજરાતની પહેલનું પરિચાયક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. ચુડાસમાએ રાજ્યમાં યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે મુખ્યપ્રધાને પ્રતિબધ્ધતા સાથે રાજ્ય યોગ બોર્ડની રચના કરવાના કરેલા નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા.