નર્મદાઃ પાંચપીપરી ગામની 38 વર્ષીય મહિલા ખેડૂતનુ નામ ઉષાબેન દિનેશભાઇ વસાવા છે. ઉષાબેને આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠક અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા છે. સાગબારાની આગાખાન સંસ્થા સાથે રહીને ઉષાબેન સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં અનેક સેવાકાર્ય કરે છે. જેમના પતિ દિનેશભાઈ વસાવા પણ તેમની સાથે રહી આ ખેતીમાં મદદ કરે છે. આમ આજના યુગમાં રાસાયણિક અને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરે છે. તેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર વડે શુદ્ધ શાકભાજી, દેશી લાલ ડાંગર, શેરડી, ઘઉં, સહીત ચીજવસ્તુ ઉગાડી એક દિશાસૂચક બની છે. જેથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
નર્મદાની મહિલાએ સજીવ ખેતી કરી નવી રાહ ચીંધી
ગુજરાતના નાનકડો અને છેવાડાનો જિલ્લો એટલે નર્મદા, જેના સાગબારા તાલુકાના અંતરિયાળ ગામ પાંચપીપરી ગામની એક ધોરણ 10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યની ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કરી ગામમાં બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઈ છે.
આજે અંતરિયાળ એવા સાગબારા તાલુકામાં મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતા લોકો રહે છે. આ તાલુકામાં ખેતી કરવા માટે પણ કોઈ રૂપિયા ન હોવાથી, જે કારણે લોકો માત્ર ખાવા પૂરતા અનાજની વાવણી કરી જીવન ગુજારતા હતા. સરકારની ખેડૂતો માટે અનેક સહાય યોજના આ તાલુકામાં આવી છે, ત્યારથી અહીંયાના આદિવાસીઓ સધ્ધર થયા છે. ખેતી તો મોટા ભાગે પુરૂષો કરતા હોય છે, પરંતુ પાંચપીપરી ગામમાં એક મહિલાએ સરકારી યોજનાનો લાભ લઈ જાતે ઓર્ગેનિક ખેતી કરી નારી શક્તિનો પરચો આપ્યો છે. આ મહિલાને ઓર્ગેનિક ખેતી કરતા જોઈ અન્ય ખેડૂતો પણ સજીવ ખેતી તરફ વળ્યા છે. ઉષાબેને પોતાના તાલુકામાં અનેક ખેડૂતોને સરકારી સહાય અપાવી ખેતીમાં મદદ કરી છે.