નર્મદાઃ કોરોનાના કહેર વચ્ચે સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ. લોકડાઉન ખુલ્યા પછી પણ અનલોક-1 જાહેર કરી જરુરી ચીજવસ્તુઓની દુકાનો અને અમુક ઉદ્યોગોને શરતોને આધીન ખોલવાની મંજુરી આપી હતી. પરંતુ પર્યટક સ્થળોને ખોલવાની હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આથી વિંધ્યાચલની ગિરિમાળાની વચ્ચે દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. વિશ્વની સોથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પણ કોરોના કહેર વચ્ચે છેલ્લા 110 દિવસથી પ્રવાસીઓ માટે બંધ છે.
ચોમાસાની શરૂઆત સાથે જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન દરમિયાન તમામ પ્રવાસી સ્થળ અને ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ અનલોક-1 દરમિયાન અમુક ધાર્મિક સ્થળોને ખોલવાની શરતોને આધીન મંજુરી આપવામાં આવી છે. પરંતુ પર્યટક સ્થળોને હજુ મંજુરી આપવામાં નથી આવી. આથી નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે બંધ છે. જે હવે ચોમાસાની શરુઆત સાથે જ વિંધ્યાચલની ગિરિમાળાઓ લીલીછમ થઈ ગઈ છે, જેથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આજુબાજુની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
હાલ ચોમાસાની શરૂઆત થતાં નર્મદા જિલ્લો તેની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આજુબાજુ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના તમામ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ કરવાથી નર્મદા નદીમાં 30 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં આવી રહ્યું છે. આથી સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ આવેલી વિંધ્યાચલની ગિરિમાળાઓ લીલીછમ થઈ ગઈ છે. જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં હાલ વરસાદ નથી પડ્યો, પરંતુ જંગલ વિસ્તારમાં વરસાદ પડતા જ ડુંગરો લીલાછમ જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુનો નઝારો નયનરમ્ય બન્યો છે.
કોરોના વાઈરસની મહામારીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 110 દિવસથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેથી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુનકાર વ્યાપ્યો છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારના કામ ચાલુ રાખવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા પ્રવાસન ધામો ખોલવામાં આવશે ત્યારે અહીં આવતા પ્રવસીઓને આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક નવારૂપ રંગ સાથે જોવા મળશે. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રસાશન દ્વારા પ્રવાસીઓને આકર્ષવા નવા પ્રોજેક્ટોનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે.